Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા યશ સોનીએ તાજેતરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' (Laalo: Krishna Sada Sahaayate) અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. હાલમાં એરપોર્ટ પર જોવા મળેલા યશ સોનીએ મીડિયા સાથેની વાતચીતમાં ફિલ્મની સફળતા અને ગુજરાતી સિનેમામાં આવેલા સકારાત્મક બદલાવ વિશે વાત કરી હતી.
'લાલો' બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જે તેવી આશા
યશ સોનીએ ફિલ્મ 'લાલો'ને મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'વી આર વેરી હેપી ફોર લાલો' (અમે લાલો માટે ખૂબ ખુશ છીએ). ફિલ્મની કમાણી અંગે આશાવાદ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરે. તેમણે ઉમેર્યું હતું કે, 'આ ફિલ્મ 100 કરોડ, 150 કરોડ કે 200 કરોડ સુધી પહોંચી જાય તેવી મને આશા છે.'
10 વર્ષમાં શું બદલાયું?
યશ સોનીની બ્લોકબસ્ટર ફિલ્મ 'છેલ્લો દિવસ'ને રિલીઝને હાલમાં જ 10 વર્ષ પૂર્ણ થયા છે. આ દાયકા દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તન વિશે પૂછવામાં આવતા તેમણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. યશે જણાવ્યું હતું કે, 'બીજું તો કશું જ નહીં, પરંતુ આપણી ઓડિયન્સ બદલાઈ છે.'
તેમણે દર્શકોના વખાણ કરતા કહ્યું હતું કે, ગુજરાતી ઓડિયન્સ હવે ખૂબ જ સારી રીતે ફિલ્મો જોતી થઈ છે અને થિયેટરોમાં જઈને ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દર્શકો આ જ રીતે ફિલ્મો જોતા રહે અને મનોરંજન માણતા રહે.
