Abhishek Jain News: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા રાજ્યના ફિલ્મ ઉદ્યોગના સર્વાંગી અને વ્યવસાયિક વિકાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. GCCI દ્વારા વર્ષ 2026-27 ના કાર્યકાળ માટે 'ફિલ્મ્સ ટાસ્કફોર્સ' ની રચના કરવામાં આવી છે અને તેના ચેરમેન તરીકે દેશના જાણીતા ફિલ્મ નિર્માતા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિષેક જૈનની નિમણૂક કરાઈ છે. આ નિમણૂક બાદ તુરંત જ અમદાવાદ સ્થિત GCCI કાર્યાલય ખાતે અભિષેક જૈનની અધ્યક્ષતામાં ટાસ્કફોર્સની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ ગઈ હતી, જેમાં ગુજરાતી સિનેમાના અનેક અગ્રણી પ્રતિનિધિઓ અને સ્ટેકહોલ્ડર્સ હાજર રહ્યા હતા.
અભિષેક જૈનનું અનુભવી નેતૃત્વ અને GCCI નો દૃષ્ટિકોણ
GCCI ના પ્રમુખ રાજેશ ગાંધીએ આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અભિષેક જૈન પાસે સર્જનાત્મક અનુભવ, વ્યાવસાયિક સૂઝબૂઝ અને ગુજરાતી સિનેમા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા છે. તેમની તાજેતરની ફિલ્મ 'મારણ' ને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ'નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જે તેમની બહુમુખી ક્ષમતા દર્શાવે છે. 'કેવી રીતે જઈશ' અને 'બે યાર' જેવી સફળ ફિલ્મોથી લઈને ગુજરાતી OTT કન્ટેન્ટ ક્ષેત્રે તેમનો અનુભવ ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ટાસ્કફોર્સ ફિલ્મ નિર્માતાઓ, પ્રોડ્યુસર્સ, ટેકનિશિયનો, થિયેટર માલિકો, રોકાણકારો અને સરકારી સંસ્થાઓને એક જ મંચ પર લાવીને સિનેમાને રોજગાર અને આર્થિક મૂલ્યનું સર્જન કરતા મજબૂત ઉદ્યોગ તરીકે સ્થાપિત કરશે.
પ્રથમ બેઠકમાં ચર્ચાયેલા મહત્વના વ્યાવસાયિક મુદ્દાઓ
આ યોજાયેલી બેઠકમાં ફિલ્મ ઉદ્યોગને નડતી વ્યવહારુ મુશ્કેલીઓ અને તેના શક્ય ઉકેલો પર વિગતવાર વિચર-વિમર્શ કરાયો હતો:
- સેન્સર બોર્ડ અને સર્ટિફિકેશન: ફિલ્મ સર્ટિફિકેશન અને સેન્સર બોર્ડ સંબંધિત પ્રક્રિયાઓને સરળ બનાવવી.
- શૂટિંગ પરમિશન અને સબસિડી: ગુજરાત ટુરિઝમ (TCGL) ની સિંગલ-વિન્ડો સિસ્ટમ મારફતે શૂટિંગ પરમિશન સુગમ બનાવવી તેમજ સબસિડી ફ્રેમવર્કનું યોગ્ય અમલીકરણ.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિતરણ: થિયેટર સ્ક્રિન્સની ઉપલબ્ધતા, વિવિધ સર્વિસ ચાર્જિસ, યોગ્ય ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન, રોયલ્ટી નીતિઓ અને રીસર્ચ-બેઝ્ડ ડેટાબેઝ તૈયાર કરવો.
વર્ષ 2026-27 માટેની 5 મુખ્ય રણનીતિઓ
GCCI ના પ્રમુખ રાજેશ ગાંધીના જણાવ્યા મુજબ, આગામી વર્ષ દરમિયાન મુખ્ય પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:
- 1. સિનેમા ક્ષેત્રે વ્યાવસાયિક ઇકોસિસ્ટમ મજબૂત કરવી.
- 2. પ્રોડક્શન અને સ્ટુડિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો.
- 3. સ્થાનિક કલાકારો અને ટેકનિશિયનો માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો યોજવા.
- 4. ગુજરાતી કન્ટેન્ટ માટે વૈશ્વિક અને OTT માર્કેટનો વ્યાપ વધારવો.
- 5. 'સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27' નો લાભ લઈ ગુજરાતને શૂટિંગ હબ બનાવવું.
આ બેઠકમાં વૈશલ શાહ, દર્શન ત્રિવેદી, જય વ્યાસ, કૃષ્ણદેવ યાજ્ઞિક, મનીષ સૈની, ટ્વિંકલ વિજયગિરી, જીજ્ઞેશ પટેલ, શૈલેષ ધમાલિયા, સંજય સોની સહિત ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
