Dhurandhar Box Office Collection Day 27: વર્ષ 2025 પૂર્ણ થઈ ગયું છે અને આ વર્ષના છેલ્લા દિવસે બોક્સ ઓફિસ પર જે ફિલ્મે ધૂમ મચાવી છે, તે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર' છે. આ ફિલ્મે વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરીને વર્ષના અંતને યાદગાર બનાવી દીધો છે. ફિલ્મ રિલીઝ થયાના 27 દિવસ પછી પણ તેનો જાદુ બરકરાર છે. જે રીતે 2025ની શરૂઆત ધમાકેદાર હતી, તેનાથી પણ વધુ શાનદાર વર્ષનો છેલ્લો મહિનો રહ્યો અને તેનું મુખ્ય કારણ આ ફિલ્મ છે.
'ધુરંધર'ની 31 ડિસેમ્બરની કમાણી
દિગ્દર્શક આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' એ ડિસેમ્બર મહિનામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું તોફાન લાવ્યું છે કે દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ સામે ઘણી મોટી ફિલ્મો પણ ટકી શકી નથી. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ 31 ડિસેમ્બર સુધીમાં આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 1143.27 કરોડનો બિઝનેસ કરી લીધો છે. જેમાંથી વિદેશી બોક્સ ઓફિસ પર કલેક્શન 237 કરોડથી વધુ છે અને ભારતમાં કુલ કમાણી 766 કરોડ સુધી પહોંચી ગઈ છે.

ભારતમાં 31 ડિસેમ્બરના દિવસે ફિલ્મની કમાણીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. 30 ડિસેમ્બરે ફિલ્મે 12.60 કરોડની કમાણી કરી હતી, જેની સરખામણીમાં 31 ડિસેમ્બરે કલેક્શન 12.40 કરોડ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે કોઈપણ મોટા સ્તરના પ્રમોશન વગર રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે સરેરાશ કમાણી કરી હતી, પરંતુ ત્યારબાદ વીકેન્ડ પર જે ગતિ પકડી હતી તેનાથી બોક્સ ઓફિસના તમામ સમીકરણો બદલાઈ ગયા હતા.
શાહરૂખ ખાનની 'જવાન'નો રેકોર્ડ તોડવાથી કેટલી દૂર…
'ધુરંધર' હવે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' (1148.32 કરોડ) નો રેકોર્ડ તોડવા માટે આ ફિલ્મ હવે માત્ર એક ડગલું જ દૂર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા વર્ષ 2026માં તે 'જવાન'નો આ રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દેશે.
