Dhurandhar Box Office Collection Day 29: આદિત્ય ધર દ્વારા નિર્દેશિત જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મે નવા વર્ષની શરૂઆતમાં પણ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જોકે રિલીઝના 29મા દિવસે તેની કમાણીમાં પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો છે.
29મા દિવસે પ્રથમ વખત સિંગલ ડિજિટમાં કલેક્શન
રિલીઝ થયાના લગભગ એક મહિના બાદ 29મા દિવસે (પાંચમા શુક્રવારે) 'ધુરંધર' ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ વખત સિંગલ ડિજિટમાં કલેક્શન કર્યું છે. પ્રારંભિક અહેવાલો મુજબ ફિલ્મે આ દિવસે અંદાજે 8.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ઘટાડો છતાં ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત રાખવામાં સફળ રહી છે અને નવી રિલીઝ થયેલી ફિલ્મો કરતા વધુ સારું પ્રદર્શન કરી રહી છે.
અત્યાર સુધીની કુલ કમાણી
'ધુરંધર' ફિલ્મે 5 ડિસેમ્બરના રોજ 28 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કર્યું હતું અને અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. ફિલ્મની સાપ્તાહિક કમાણીની વિગતો નીચે મુજબ છે.
- પ્રથમ અઠવાડિયું: 207.25 કરોડ રૂપિયા
- બીજું અઠવાડિયું: 253.25 કરોડ રૂપિયા
- ત્રીજું અઠવાડિયું: 172 કરોડ રૂપિયા
- ચોથું અઠવાડિયું: 106.5 કરોડ રૂપિયા
આ સાથે 29 દિવસની કુલ કમાણી 747.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
800 કરોડના ક્લબમાં સામેલ થવા માટેનો લક્ષ્યાંક
હવે આ ફિલ્મનું આગામી લક્ષ્ય 800 કરોડના આંકડાને સ્પર્શવાનું છે. અપેક્ષા છે કે પાંચમા શનિવાર સુધીમાં ફિલ્મ 750 કરોડનો આંકડો પાર કરી જશે, પરંતુ 800 કરોડ સુધી પહોંચવા માટે તેને હજુ 50 કરોડથી વધુની કમાણી કરવાની જરૂર છે. જો ફિલ્મ આ માઈલસ્ટોન હાંસલ કરવામાં સફળ રહેશે તો તે આ રેકોર્ડ બનાવનારી પ્રથમ બોલીવુડ ફિલ્મ બની જશે.
