Dhurandhar OTT Release: બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર આદિત્ય ધર અને સુપરસ્ટાર રણવીર સિંહની જોડીએ ફરી એકવાર મોટો ધમાકો કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધરની ભવ્ય સફળતા બાદ, હવે તેના બીજા ભાગ એટલે કે ધુરંધર 2: ધ રિવેન્જ (Dhurandhar 2: The Revenge) ને લઈને પાકિસ્તાનમાં અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન સરકાર દ્વારા આ ફિલ્મ પર સત્તાવાર પ્રતિબંધ (Ban) મૂકવામાં આવ્યો હોવા છતાં, ત્યાંના ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને નેટફ્લિક્સ પર ટોપ ટ્રેન્ડિંગમાં નંબર 1નું સ્થાન મેળવી લીધું છે.
પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટરનો વિડિયો વાયરલ
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પાકિસ્તાનના પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર માવિયા ઉમેર ફારુકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો. આ વિડિયોમાં તેની પાછળ ટીવી સ્ક્રીન પર નેટફ્લિક્સનું હોમ પેજ લાઇવ દેખાઈ રહ્યું છે, જેમાં ધુરંધર 2 સ્પષ્ટપણે નંબર 1ના સ્થાન પર ટ્રેન્ડ કરતી નજરે પડે છે.
માવિયાએ વીડિયોમાં દાવો કર્યો છે કે- પાકિસ્તાનમાં ધુરંધર 2 રિલીઝ થતાની સાથે જ સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અગાઉ અમે પાકિસ્તાનીઓ કહી રહ્યા હતા કે આ એક કાલ્પનિક કે ખોટી ફિલ્મ છે, પરંતુ રણવીર સિંહ અને આદિત્ય ધરે જે રીતે આ ફિલ્મ બનાવી છે તે અદ્ભુત છે. છેલ્લે પાકિસ્તાનમાં આવો ક્રેઝ મની હાઇસ્ટ (Money Heist) અને સ્કવિડ ગેમ (Squid Game) જેવી વૈશ્વિક વેબ સિરીઝ માટે જોવા મળ્યો હતો.
નેટફ્લિક્સનું સર્વર ક્રેશ થયાનો દાવો
કન્ટેન્ટ ક્રિએટરે વધુમાં જણાવ્યું કે, પાછલા 24 કલાકની અંદર અંદાજે 200 મિલિયન પાકિસ્તાનીઓએ આ ફિલ્મ જોઈ નાખી છે. આ અગાઉના એક વિડિયોમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે, ફિલ્મ રાત્રે 12 વાગ્યે સ્ટ્રીમ થતાં જ એટલી મોટી સંખ્યામાં લોકો એકસાથે ઓનલાઇન આવ્યા કે લોડ વધી જવાના કારણે પાકિસ્તાનમાં નેટફ્લિક્સના સર્વર પણ થોડીવાર માટે ક્રેશ થઈ ગયા હતા. ક્રિએટરે રમૂજી અંદાજમાં કહ્યું કે- ભલે રણવીર સિંહનું પાત્ર વાસ્તવિક ન હોય, પણ આદિત્ય ધરની પ્રસ્તુતિ જોઈને એવું જ લાગે છે કે રણવીર ખરેખર પાકિસ્તાન આવ્યો હતો!
પ્રતિબંધ છતાં કમાણીના રેકોર્ડ તોડ્યા
નોંધનીય છે કે ધુરંધરના પહેલા ભાગને પાકિસ્તાન સહિત અન્ય ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ ફિલ્મે વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર ₹3,000 કરોડથી વધુનું ઐતિહાસિક ગ્રોસ કલેક્શન કર્યું હતું. હવે આ ફિલ્મનો બીજો ભાગ ડિજિટલ સ્પેસમાં પણ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે.
ભારતમાં ક્યારે રિલીઝ થશે?
પાકિસ્તાનમાં નેટફ્લિક્સ પર ધૂમ મચાવ્યા બાદ હવે ભારતના સિનેપ્રેમીઓ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતમાં ધુરંધર 2નું પ્રીમિયર આગામી 4 જૂનના રોજ જીઓહોટસ્ટાર (JioHotstar) પર કરવામાં આવશે, અને 5 જૂનથી તમામ દર્શકો તેને સત્તાવાર રીતે સ્ટ્રીમ કરી શકશે. આઈપીએલ (IPL 2026)ની સીઝન પૂર્ણ થયા બાદ ભારતમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી મોટો ધડાકો કરવા માટે તૈયાર છે.
