Kangana Ranaut on Baba Ramdev: બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કંગનાએ આજની યુવા પેઢીને 'ગટર જનરેશન' કહીને સંબોધી હતી. આ નિવેદનના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં યોગ ગુરુ બાબા રામદેવે પણ ઝંપલાવ્યું હતું અને કંગનાના ચરિત્ર તથા યુવાની પર સવાલો ઉઠાવ્યા હતા. હવે કંગના રનૌતે સોશિયલ મીડિયા પર બાબા રામદેવને આડે હાથ લેતા જડબાતોડ જવાબ આપ્યો છે.
કંગના રનૌતે બાબા રામદેવને શું આપ્યો જડબાતોડ જવાબ?
બાબા રામદેવની ટિપ્પણીઓનો વળતો જવાબ આપતા કંગના રનૌતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમણે (રામદેવ) અન્યના ચરિત્ર પર સવાલો ઉઠાવવા ન જોઈએ.
કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'બાબાજી, મારી યુવાની કે મારા બેડરૂમ વિશે સપના જોવાનું બંધ કરો. કોઈ વ્યક્તિ માત્ર અફવાઓ અને ગોસિપના આધારે જ બીજા વિશે અનુમાન લગાવી શકે છે. ઓછામાં ઓછું મને ખોટા કે ફ્રોડ મેડિકલ દાવાઓને લઈને ક્યારેય સુપ્રીમ કોર્ટની ફટકાર તો નથી પડી. આ ગોસિપ નહીં પરંતુ હકીકત પર આધારિત છે. તેથી મને મારા ચરિત્ર વિશે જ્ઞાન ન આપો. મારું ચરિત્ર તમારા કરતાં ઘણું સારું છે અને મારી સામે કોઈ ફ્રોડનો કેસ પણ નથી.'
બાબા રામદેવે કંગના પર કેવા સવાલો ઉઠાવ્યા હતા?
'ગટર જનરેશન' વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા બાબા રામદેવે કંગના રનૌત પર સીધો પ્રહાર કર્યો હતો. રામદેવે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'કંગનાએ શું અભ્યાસ કર્યો છે? તેમની યુવાની અને બાળપણ કેવું રહ્યું છે? તેમના અગાઉના કારનામા કેવા રહ્યા છે? હું તેમના વિશે વધુ વાત કરવા માંગતો નથી. પરંતુ કોઈને આ રીતે 'ગટર' કહેવું એ બગડેલા દિમાગની નિશાની છે.'
કંગનાનું 'ગટર જનરેશન' નિવેદન શું હતું?
ઉલ્લેખનીય છે કે, કેટલાક યુવા પ્રોટેસ્ટ બાદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. કંગનાએ લખ્યું હતું કે, 'તે યુવાન હિંદુ મહિલાઓ માટે શરમની વાત છે, જેઓ સ્વતંત્ર કરિયર ધરાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે, પરંતુ કોઈ આવક વિના આઝાદી ઇચ્છે છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર મહિલાઓ પોતાના નિર્ણયો જાતે લે છે અને તેની જવાબદારી પણ સ્વીકારે છે. પરંતુ હાલમાં પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત ભારતીય મહિલાઓની એક નવી પેઢી આવી છે, જેને તે 'ગટર જનરેશન' કહે છે. કંગનાના મતે, આ પેઢી દારૂ, ડ્રગ્સ અને શારીરિક સંબંધો રાખવાની આઝાદીને ગર્વથી દર્શાવે છે અને તેમનામાં કોઈ જવાબદારીની ભાવના નથી.
કંગના રનૌતનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કંગના રનૌત છેલ્લે ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' માં એક નર્સની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જોકે બોક્સ ઓફિસ પર તે મોટી સફળતા મેળવી શકી નહોતી. હાલમાં આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે. આગામી સમયમાં કંગના બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ 'ક્વીન 2' માં જોવા મળશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
