Aamir Khan News: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બાદ હવે ફિલ્મ ઉદ્યોગના અન્ય એક દિગ્ગજ અભિનેતા આમિર ખાન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક સનસનીખેજ પોસ્ટ અને ઓડિયો ક્લિપે મનોરંજન જગત સહિત સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ વાયરલ પોસ્ટમાં આમિર ખાનને સીધી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડીને જોવામાં આવી રહી છે. આ સમાચારે આમિર ખાનના લાખો ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે.
'લવ જેહાદ'ના આરોપ હેઠળ નિશાન બનાવવાનો દાવો
આ પણ વાંચો
સામે આવેલા અહેવાલો અનુસાર, આમિર ખાન વિરુદ્ધ આ ધમકીભરી પોસ્ટ પાછળ 'લવ જેહાદ'ના આરોપો હોવાનું કહેવાય રહ્યું છે. વાયરલ થઈ રહેલી આ સોશિયલ મીડિયા પોસ્ટમાં આમિર ખાન પર સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે અને તેના કારણે જ તેને ગેંગ દ્વારા નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે.
શું લખ્યું છે વાયરલ થયેલી પોસ્ટમાં?
અહેવાલો મુજબ, ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહેલી આ વિવાદાસ્પદ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "જય શ્રી રામ. હું આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ (લોરેન્સ બિશ્નોઈ ગેંગ) છું. અમે સનાતન ધર્મ અને દેશ વિરુદ્ધ કોઈપણ ખોટી પ્રવૃત્તિઓનો વિરોધ કરીએ છીએ. આમિર ખાન જેવા લોકો આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. સ્ટારડમના નામે આવી બાબતોને પ્રોત્સાહન આપનારા કોઈપણ વ્યક્તિના જીવ અમે લઈ લઈશું. રાજસ્થાનમાં એક માસૂમ છોકરી સાથે બનેલી ઘટના ખૂબ જ દુ:ખદ છે. વહીવટીતંત્રે સારું કામ કર્યું છે, પરંતુ જો કોઈ ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરે છે, તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ."
એક્શનમાં મુંબઈ પોલીસ અને સાયબર સેલ
નોંધનીય છે કે આ પૂર્વે સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે મુંબઈ પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. પોસ્ટ વાયરલ થતાં જ મુંબઈ પોલીસની તપાસ એજન્સીઓ અને સાયબર સેલ તાત્કાલિક એક્શનમાં આવી ગયા છે. પોલીસ ટેકનિકલ એનાલિસિસ દ્વારા એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ પોસ્ટ ક્યાંથી ઓરિજિનેટ થઈ છે અને આ ખરેખર કોઈ મોટી ગેંગનું ષડયંત્ર છે કે પછી માત્ર કોઈ અસામાજિક તત્વોની મજાક છે.
બીજી તરફ, આ સંવેદનશીલ મુદ્દે હજુ સુધી આમિર ખાન કે તેમની ઓફિશિયલ ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ આ ધમકી બાદ અભિનેતાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
