Bipasha Basu News: બોલિવૂડ અભિનેત્રી બિપાશા બસુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક આઘાતજનક વિડીયો શેર કરીને પેક્ડ ન્યુટ્રિશન પ્રોડક્ટ્સ અને પ્રોટીન પાવડરની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બિપાશાએ દાવો કર્યો છે કે તેમણે તાજેતરમાં જ ખોલેલા એક પ્રોટીન પાવડરના નવા ડબ્બામાંથી નાના-નાના જીવડાં નિકળ્યા છે. આ ગંભીર બાબતે અભિનેત્રીએ વીડિયો બનાવીને મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર અને આઈએએસ અધિકારી તુકારામ મુંઢેને ટેગ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નવા ખોલેલા કન્ટેનરમાંથી નીકળ્યા જીવડાં
અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરેલા વિડીયોમાં પ્રોટીન પાવડરના ડબ્બાની નજીક કેમેરો લઈ જઈને તેમાં રહેલા અસંખ્ય નાના-નાના જીવડાં બતાવ્યા હતા. બિપાશાએ વિડીયોમાં જણાવ્યું હતું કે આ નવો ડબ્બો તેમણે હમણાં જ ખોલ્યો છે અને તે પૂરો જીવડાંથી ભરેલો છે. વીડિયોમાં તેમણે પોતાની આંગળી પર એક નાનકડું જીવડું ઊંચકીને ઝૂમ કરીને પણ દર્શાવ્યું હતું.
આઈએએસ અધિકારી તુકારામ મુંઢે પાસે માંગી મદદ
આ વિડીયો શેર કરવાની સાથે બિપાશા બસુએ મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેને ટેગ કરતા લખ્યું હતું કે, "સર, હવે તમે જ અમારી છેલ્લી આશા છો. જેથી કરીને આપણે બજારમાંથી જે પણ ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીએ, તેમાં ભેળસેળ કે ખરાબ સામાન ન મળે."
કોણ છે તુકારામ મુંઢે?
આઈએએસ અધિકારી તુકારામ મુંઢે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફ્ટી) અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે કડક પગલાં લેવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં જાણીતા છે. તેમણે તાજેતરમાં જ અનેક રેસ્ટોરન્ટ્સ અને ફૂડ આઉટલેટ્સ પર અચાનક તપાસ હાથ ધરીને ખોરાકની ગુણવત્તા સંબંધિત નિયમોના ઉલ્લંઘન સામે સખત કાર્યવાહી કરી છે.
પ્રોટીન પાવડર ખરીદતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો
ખાદ્ય સુરક્ષા નિષ્ણાતોના મતે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પણ જો ભેજવાળા વાતાવરણમાં સંગ્રહિત કરવામાં આવે કે તેની પેકેજિંગમાં ખામી રહી જાય તો તેમાં જીવજંતુઓ થવાનું જોખમ રહે છે. આથી ગ્રાહકોએ પ્રોટીન પાવડર ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ.
- પેકેટ કે ડબ્બાની સીલ તૂટેલી ન હોય તેની ચકાસણી કરો
- પ્રોડક્ટની એક્સપાયરી ડેટ (Expiry Date) અને મેન્યુફેક્ચરિંગ ડેટ જરૂર તપાસો.
- ડબ્બો ખોલતી વખતે તેની ગંધ, રંગ અને ટેક્સચર ચકાસી લો.
- પાવડરમાં ગાંઠો કે ભેજના કણો દેખાય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો.
બિપાશા બસુની અંગત અને ફિલ્મી સફર
ઉલ્લેખનીય છે કે બિપાશા બસુએ વર્ષ 2016 માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2022 માં તેઓ એક પુત્રીના માતા બન્યા છે. બિપાશા છેલ્લે વર્ષ 2020 માં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'ડેન્જરસ' અને વર્ષ 2015 ની ફિલ્મ 'અલોન' માં જોવા મળ્યા હતા. હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.
