Bade Achhe Lagte Hain 4: શિવાંગી જોશીના ચાહકો માટે સારા સમાચાર છે. ટીવીની લોકપ્રિય અભિનેત્રી શિવાંગી જોશી (Shivangi Joshi) એ ફરી એકવાર એક રોમેન્ટિક ડ્રામા સાથે સ્ક્રીન પર ધમાકેદાર વાપસી કરી છે. તે હાલમાં 'બડે અચ્છે લગતે હૈં'ની ચોથી સિઝનમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. આ શો એકતા કપૂર (Ekta Kapoor) ના બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત છે અને 'બડે અચ્છે લગતે હૈં' સિરીઝની નવી આવૃત્તિ છે. નવા સિઝનમાં શિવાંગી સાથે હર્ષદ ચોપડા (Harshad Chopra) પણ લીડ રોલમાં છે.
બડે અચ્છે લગતે હૈં સિરિયલની વાર્તા શું છે?
'બડે અચ્છે લગતે હૈં 4'ની વાર્તા ભાગ્યશ્રી આયર (શિવાંગી જોશી) નામની એક સ્વતંત્ર મહિલાની આસપાસ ફરે છે. દિલ્હીમાં એકલી રહેતી ભાગ્યશ્રી 'ટટ્ટવા' નામની બ્યૂટી બ્રાન્ડનું સંચાલન કરે છે. પાંચ વર્ષ પહેલાં, તે એક પુરુષ સાથે લગ્ન કરવા ઘરેથી ભાગી ગઈ હતી, જેણે તેના પિતાના પૈસાના લોભે તેની સાથે દગો કર્યો હતો. આ ઘટનાએ તેના વિશ્વાસને તોડી નાખ્યો છે અને તેને પ્રેમમાં હવે ભરોસો નથી. તેના માતા-પિતા હજી પણ માને છે કે તે સુખી દાંપત્યજીવન જીવી રહી છે.
બીજી તરફ, રિષભ કપૂર (હર્ષદ ચોપડા) એક હસમુખ અને ખુશમિજાજ યુવાન છે, જે આર્થિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે અને નોકરીની શોધમાં છે. તેને 'ટટ્ટવા'માં નોકરી મળે છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ભાગ્યશ્રીને ખબર પડે છે કે તેના માતા-પિતા તેને અને તેના 'પતિ'ને મળવા દિલ્હી આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભાગ્યશ્રી અને રિષભની મુલાકાત થાય છે અને તેમની વચ્ચે એક રોમેન્ટિક અને ભાવનાત્મક સફર શરૂ થાય છે.
બડે અચ્છે લગતે હૈં સિરિયલના મુખ્ય પાત્રો
ભાગ્યશ્રી આયર (શિવાંગી જોશી): એક મજબૂત અને સ્વતંત્ર મહિલા, જે ભૂતકાળના દગાને કારણે પ્રેમ અને વિશ્વાસથી દૂર થઈ ગઈ છે.
રિષભ કપૂર (હર્ષદ ચોપડા): એક આશાવાદી અને જીવનથી ભરપૂર યુવાન, જે મુશ્કેલીઓ વચ્ચે પણ હકારાત્મક રહે છે.
સિરિયલમાં અન્ય સહાયક કલાકારોમાં મનોજ કોલ્હાટકર, યશ પંડિત, દિવ્યાંગના જાની, અંચલ સભ્રવાલ, નિખીલ શર્મા, આરુષિ હાંડા, રોહિત ચોધરી, સૌમ્યા ભંડારી, રવિ કોઠારી, શિવાની સોપોરી, દીપિકા ખન્ના, દીપ્તિ જોશી, ગૌરવ બજાજ, દેવશ્રી શર્મા, અવિરાત પારેખ, ક્રિષ્ના શેટ્ટી, ખુશ્બુ ઠાકર અને જ્યોતી નેગીનો સમાવેશ થાય છે.
શિવાંગી જોશી વિશે જાણો
શિવાંગી જોશી, જેનો જન્મ 18 મે, 1998ના રોજ થયો છે, તે ભારતીય ટેલિવિઝન અભિનેત્રીઓમાં એક જાણીતું નામ છે. હિન્દી ટીવી સિરિયલોમાં તેના શાનદાર અભિનય માટે તે પ્રખ્યાત છે અને ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટેલિવિઝન અભિનેત્રીઓમાં તેની ગણના થાય છે.
શિવાંગીએ 2013માં ઝી ટીવીના શો 'ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી'માં ત્રિશા તરીકે અભિનયની શરૂઆત કરી હતી. જોકે, તેને સૌથી વધુ ઓળખ સ્ટાર પ્લસના લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરા સિંઘાનિયા ગોએન્કાની ભૂમિકાથી મળી. આ શોએ તેને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી. તાજેતરમાં, તેનું નામ 'બરસાતેં - મૌસમ પ્યાર કા'ના સહ-અભિનેતા કુશાલ ટંડન સાથે પણ જોડાયું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેના 97 લાખ ફોલોઅર્સ છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.
