અનિરુદ્ધ રવિચંદર અને SRH CEO કાવ્યા મારન બંધાશે લગ્નના બંઘનમાં, લાંબી અટકળો બાદ મળી સત્તાવાર માહિતી

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 17 Oct 2026 12:00 PM (IST)Updated: Sat, 17 Oct 2026 12:00 PM (IST)
anirudh-ravichander-kavya-maran-wedding-date-cm-revanth-reddy
SRH CEO કાવ્યા મારન

Kavya Maran Wedding: મનોરંજન જગત અને IPL ક્રિકેટ ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા સાઉથ મ્યુઝિક કંપોઝર અનિરુદ્ધ રવિચંદર (Anirudh Ravichander) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમની સીઈઓ કાવ્યા મારન (Kavya Maran) ટૂંક સમયમાં જ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે સત્તાવાર મહોર લાગી ગઈ છે, અને તે પણ કોઈ પરિવાર દ્વારા નહીં પરંતુ ખુદ તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી દ્વારા આ લગ્નની ખુશીની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રીએ કાવ્યા મારનના માતા-પિતા અને સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન તથા કાવેરી મારન સાથેની મુલાકાતના ફોટો અને વીડિયો શેર કર્યા છે. કલાનિધિ મારન દંપતીએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત મુખ્યમંત્રીના નિવાસ્થાને પહોંચીને તેમને લગ્નના રિસેપ્શનનું આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીએ પોસ્ટમાં લખ્યું હતું કે, "સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને તેમના પત્ની શ્રીમતી કાવેરી મારને હૈદરાબાદ સ્થિત નિવાસ્થાને માનનીય મુખ્યમંત્રીએ. રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી અને તેમની પુત્રી કાવ્યા મારનના લગ્ન રિસેપ્શન માટે આમંત્રણ આપ્યું." વધુમાં તેમણે તારીખ જાહેર કરતા ઉમેર્યું કે, "કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરનું લગ્ન રિસેપ્શન આગામી 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાવાનું છે." આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

જૂની અટકળો અને અગાઉના દાવાઓ

અનિરુદ્ધ અને કાવ્યાના રિલેશનશિપને લઈને અગાઉ વર્ષ 2025માં રેડિટ (Reddit) પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમના પરિવારો લગ્ન અંગે ચર્ચા કરી રહ્યા છે. તે સમયે અનિરુદ્ધ રવિચંદરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે, "લગ્ન? હાહા... શાંતિ રાખો મિત્રો, કૃપા કરીને અફવાઓ ફેલાવવાનું બંધ કરો."

જોકે, અફવાઓ અટકી ન હતી. ચાલુ વર્ષે જૂન મહિનામાં અનિરુદ્ધના કાકા અને અભિનેતા વાય. જી. મહેન્દ્રએ એક મુલાકાતમાં સંકેત આપ્યા હતા કે આ લગ્ન નિશ્ચિત છે. તેમણે કાવ્યા મારનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "તે સામાન્ય છોકરી નથી. તે પોતાના પિતાની બિઝનેસ જિનેટિક્સ ધરાવે છે અને આટલી મોટી ક્રિકેટ ટીમ (SRH) સંભાળવાની ક્ષમતા રાખે છે. બંને ખૂબ જ સુંદર જોડી છે."

ગ્રીસમાં લગ્ન અને સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટની ચર્ચા

જોકે પરિવાર તરફથી હજુ સુધી લગ્નની તારીખ અને વેન્યુ અંગે સત્તાવાર વિસ્તૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કપલ વિદેશમાં એટલે કે ગ્રીસ (Greece) ખાતે લગ્ન કરે તેવી પ્રબળ શક્યતા છે. આ સાથે જ હાઈ-પ્રોફાઈલ મહેમાનોને લગ્નના નિમંત્રણ કાર્ડ્સ રૂબરૂ પહોંચાડવામાં આવી રહ્યા છે, જેની શરૂઆત મુખ્યમંત્રીને આમંત્રણ આપીને થઈ ચૂકી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, મ્યુઝિક સેન્સેશન અનિરુદ્ધ રવિચંદરે તાજેતરમાં જ અભિનેતા નાનીની ફિલ્મ 'ધ પેરેડાઈઝ' અને રજનીકાંતની 'જેલર 2' માટે શાનદાર સંગીત આપ્યું છે. આગામી સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ', રજનીકાંતની 'ધર્મા', અને કમલ હાસનની 'ઇન્ડિયન 3' જેવી મોટી ફિલ્મોમાં તેમનું સંગીત સાંભળવા મળશે. મ્યુઝિક અને બિઝનેસ જગતના આ દિગ્ગજોના જોડાણથી બંને પરિવારમાં ઉત્સાહનો માહોલ છે.