Angrej Jive Che Movie: ગુજરાતી સિનેમા જગતમાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વધુ એક બહુપ્રતિક્ષિત ફિલ્મ 'અંગ્રેજ જીવે છે' આવી રહી છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર અને ટીઝર આગામી 15મી ઓગસ્ટના પવિત્ર સ્વાતંત્ર્ય દિને અમદાવાદ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. 15 ઓગસ્ટની સાંજે 8:00 વાગ્યે, હરિ ૐ બેન્કવેટ હોલ (ન્યૂ શાહીબાગ, નાના ચિલોડા રિંગ રોડ, અમદાવાદ) ખાતે આ ધમાકેદાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
8 ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ
JRDC PICTURES ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન દેવપગલી દ્વારા કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર દેવપગલીના જણાવ્યા મુજબ, આ ફિલ્મ ભારતના સાચા સનાતનીઓને ખૂબ જ પસંદ આવશે. આ ફિલ્મ માત્ર એક ભાષા પૂરતી સીમિત ન રહેતા, નવરાત્રી પછી કુલ 8 અલગ-અલગ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
15 ઓગસ્ટે યોજાનારા આ ભવ્ય ટીઝર અને પોસ્ટર લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના અનેક સુપ્રસિદ્ધ કલાકારો, નામી-અનામી હસ્તીઓ, પૂજનીય સાધુ-સંતો તેમજ 'અંગ્રેજ જીવે છે' ફિલ્મની સમગ્ર ટીમ અને નિર્માતાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.
યુવરાજ ગઢવી અને બિમલ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છવાશે
આ ફિલ્મમાં યુવરાજ ગઢવી મુખ્ય પાત્ર નિભાવી રહ્યા છે, જ્યારે જાણીતા કલાકાર બિમલ ત્રિવેદી એક કટ્ટર હિન્દુની દમદાર ભૂમિકામાં જોવા મળશે. સામે આવેલા પોસ્ટરમાં બંને કલાકારોનો લુક અત્યંત પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે, જેમાં ભગવા વસ્ત્રો, મોં પર તેજ, ત્રિશૂળ અને હાથમં 'શ્રીમદ્દદેવી ભાગવત' ગ્રંથ જોવા મળી રહ્યો છે, જે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ ઊભું કરી રહ્યો છે.
"આ ફિલ્મ મારી નથી, આપણા સૌની છે" - સનાતનીઓને સપોર્ટ કરવા અપીલ
મેકર્સ અને ટીમ દ્વારા તમામ મિત્રો, સિનેમાપ્રેમીઓ અને સનાતની ભાઈઓને આ ભવ્ય કાર્યક્રમમાં હાજર રહીને સપોર્ટ આપવા ભાવભરી વિનંતી કરવામાં આવી છે. ટીમે ઉત્સાહપૂર્વક જણાવ્યું છે કે, "આ ફિલ્મ માત્ર મારી નથી પણ આપણા સૌની છે."
સ્વાતંત્ર્ય પર્વના દિવસે અમદાવાદના આંગણે યોજાનાર આ ભવ્ય ટીઝર લોન્ચિંગ ઈવેન્ટને લઈને ફિલ્મ જગત અને સનાતન પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
