Tippani Raas Song Release: ગુજરાતી સિનેમામાં દર વખતે પોતાની આગવી અને વિશિષ્ટ શૈલીથી દર્શકોના દિલ જીતનારા નિર્માણ હાઉસ 'વિજયગીરી ફિલ્મોસ' અને 'નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ' દ્વારા નિર્મિત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અંબા’નું બીજું નવું ગીત ‘ટિપ્પણી રાસ’ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતા અને નામશેષ થવાના આરે પહોંચેલા પ્રાચીન 'ટિપ્પણી રાસ'ને મોટા પડદા પર લાવીને ડિરેક્ટર વિજયગીરી બાવાએ સંસ્કૃતિને જીવંત રાખવાનું એક મોટું સાહસ કર્યું છે.
આ પણ વાંચો
લિરિકલ વિડીયો રિલીઝ કરીને દર્શકોની ઉત્સુકતા વધારી
સામાન્ય રીતે ફિલ્મ ઉદ્યોગમાં પહેલા ડાન્સ વિડિયો અને ત્યારબાદ લિરિકલ વિડિયો રિલીઝ કરવાનો રિવાજ હોય છે, પરંતુ વિજયગીરી ફિલ્મોસે દર વખતની જેમ આ વખતે પણ નવો પ્રયોગ કર્યો છે. તેમણે ગીતનો માત્ર લિરિકલ વિડિયો રિલીઝ કર્યો છે, જેમાં રીવા રાચ્છ, રિદ્ધિ ડાંગર, ઝંખના સોની પટેલ, ચાર્મી કેલૈયા અને શ્વેતા પટેલ જેવા કલાકારો નજરે પડે છે. ફિલ્મમાં આખો રાસ અને નૃત્ય કેવું હશે, તે માટે પ્રેક્ષકોમાં અત્યારથી જ ભારે ઉત્સુક્તા અને રોમાંચ ઊભો થયો છે.
ગીરની માટી અને સ્થાનિક કલાકારોનો સંગમ
ફિલ્મ ‘અંબા’ ગીરની આગવી સંસ્કૃતિ, નેહડાની ઝાંખી તથા ગીરના સ્થાનિક લોકો અને સિંહ વચ્ચેના લાગણીસભર અનોખા સંબંધોને રજૂ કરે છે. પ્રાચીન ટિપ્પણી રાસને તદ્દન પ્રાકૃતિક રીતે તૈયાર કરવા માટે વિજયગીરી બાવાએ ગીર પંથકના જ સ્થાનિક લોકોની પસંદગી કરી હતી. કોરિયોગ્રાફી માટે પણ વર્ષોથી ટિપ્પણી રાસ માટે કાર્યરત સ્થાનિક કલાકાર કૃપા ડાંગરને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ગીતનું કર્ણપ્રિય સંગીત જાણીતી જોડી કેદાર-ભાર્ગવ દ્વારા તૈયાર કરાયું છે અને તેના હૃદયસ્પર્શી શબ્દો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. આ ગીતને વ્રત્તીની પુરોહિત, લિપિકા નાગ, સ્તુતી કરની, સુરભી, રાધિકા, કાવ્યા, પલક અને અંજલિએ સંયુક્તપણે પોતાનો મધુર સ્વર આપ્યો છે.
શું છે ‘ટિપ્પણી રાસ’નો ઇતિહાસ?
ટિપ્પણી રાસ એ સૌરાષ્ટ્રના ખાસ કરીને ચોરવાડ અને વેરાવળ પ્રદેશનો અત્યંત પ્રાચીન લોકનાચ છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયા અથવા માળમાં વપરાતા ચૂનાના ગારાને ટીપી ટીપીને મજબૂત બનાવવા માટે લાકડીઓ (ટીપણી) વપરાતી હતી. આ મહેનતભર્યા કામની એકવિધતા દૂર કરવા અને ઉત્સાહ જાળવી રાખવા શ્રમિકો સંગીતના તાલે નૃત્ય કરતા, જે 'ટિપ્પણી નૃત્ય' તરીકે ઓળખાયું. આ પ્રકારનું નૃત્ય મોટે ભાગે સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ પર જ જોવા મળતું હોય છે, પરંતુ તેને ફિલ્મમાં સ્થાન આપવું એ ખૂબ જ પ્રશંસનીય બાબત છે.
ડિસેમ્બર ૨૦૨૬માં થિયેટરોમાં ધમાકો કરશે ‘અંબા’
ફિલ્મની ક્રિએટિવ ટીમ વિશે વાત કરીએ તો, તેનું નિર્માણ ભૂમિ નથવાણીએ અને સહ-નિર્માણ ટ્વિંકલ વિજયગીરીએ કર્યું છે. મૂળ વાર્તા અને દિગ્દર્શન વિજયગીરી બાવાનું છે, જ્યારે તેના સંવાદો જાણીતા લેખક રામ મોરીએ લખ્યા છે. સ્ક્રીનપ્લે વિજયગીરી બાવા અને રામ મોરીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. ગીરની માટીની મહેક પ્રસરાવતી આ ફિલ્મ આગામી ડિસેમ્બર 2026માં સમગ્ર ગુજરાતના થિયેટરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.
