Akshay Kumar Shilpa Shetty Breakup: 90ના દાયકામાં બૉલિવૂડના 'ખિલાડી' અક્ષયકુમાર અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના સબંધો ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. 1994માં આવેલી ફિલ્મ 'મેં ખિલાડી તું અનાડી'ના શુટિંગ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તાજેતરમાં જ 'જાનવર' ફિલ્મના ડિરેક્ટર સુનિલ દર્શને બન્ને સબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે. જેમાં અક્ષય અને શિલ્પા બન્ને પોતાના સબંધને લઈને ખૂબ જ ગંભીર હોવાનું અને વાત લગ્ન સુધી પહોંચી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
પ્રોડ્યુસરો ફ્લોપ સ્ટાર અક્ષયકુમારથી દૂર ભાગતા હતા
સુનિલ દર્શને 'મિનિટ્સ ઑફ મસાલા'માં ઈન્ટર્વ્યુ આપતા જણાવ્યું કે, 90ના દાયકામાં એક પછી એક ફ્લોપ ફિલ્મો આપવાના કારણે અક્ષયકુમારની કરિયર ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. આ એક એવો સમય હતો, ત્યારે પ્રોડ્યુસરોએ અક્ષયકુમાર ઉપર પૈસા રોકવાનું જ બંધ કરી દીધુ હતુ, કારણ કે બજારમાં તેની માંગ જ નહતી રહી. આવા કપરા સમય બાદ 1999માં આવેલી 'જાનવર' ફિલ્મ અક્ષયની કરિયરમાં ટર્નિંગ પૉઈન્ટ સાબિત થઈ.
'જાનવર' ફિલ્મની સફળતાએ અક્ષયની ડૂબતી કરિયરને તારી લીધી હતી. આ ફિલ્મ પહેલા અક્ષયકુમારની સપૂત (1996), લહુ કે દો રંગ (1997), ઈન્સાફ ધી ફાઈનલ જસ્ટિસ (1997) અને તરાજુ (1997) જેવી અનેક ફિલ્મો આવી અને બોક્સ ઑફિસ પર પીટાઈ ગઈ હતી. જ્યારે 'જાનવર' રિલીઝ થઈ અને સુપરહિટ સાબિત થઈ, તે સાથે અક્ષયકુમારના સ્ટારડમે સૌથી મોટી છલાંગ લગાવી હતી.
એક ગેરસમજે અક્ષય અને શિલ્પાને કાયમ માટે અલગ કરી દીધા
ડિરેક્ટરે વધુમાં જણાવ્યું કે, આ સમયે અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટી વચ્ચે મજબૂત રિલેશન હતા. જો કે એક ગેરસમજના કારણે બન્નેના રસ્તા અલગ થઈ ગયા અને અક્ષય-શિલ્પા કાયમ માટે જુદા થઈ ગયા. હું તો એવું માનતો હતો કે, બન્ને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે, પરંતુ કેટલીક ગેરસમજોના કારણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.
અક્ષયની 'હેરાફેરી' અને 'ધડકન' જેવી ફિલ્મો પણ ફસાઈ ગઈ
'જાનવર' ફિલ્મની સફળતા બાદ અક્ષયકુમારની 'હેરાફેરી' અને 'ધડકન' જેવી ફિલ્મો પ્રોડ્યુસર પાસે અટકી પડી હતી, તે રિલીઝ માટે તૈયાર થઈ ગઈ. જે બાદના 25 વર્ષો સુધી અક્ષયકુમારની કરિયર બુલંદીઓ પર રહી અને તેણે ક્યારેય પાછળ વળીને નથી જોયું.
જણાવી દઈએ કે, અક્ષયકુમાર અને સુનિલ દર્શને કુલ 7 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અક્ષય-સુનિલની જોડીએ 'જાનવર' ઉપરાંત 'અંદાજ', 'તલાશઃ ધી હન્ટ બિગિન્સ', 'એક રિશ્તાઃ ધી બૉન્ડ ઑફ લવ' 'ધડકન'જેવી ફિલ્મો ચર્ચામાં રહી હતી.
