Aishwarya Rai Bachchan Cannes 2026 Look: પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચનની હાજરીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. ફેસ્ટિવલના ક્લોઝિંગ સેરેમનીના એક દિવસ પૂર્વે ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ફ્રાન્સ પહોંચી હતી. કાન્સના રેડ કાર્પેટ પર ઐશ્વર્યાએ એક અત્યંત આકર્ષક 'અબિસ બ્લુ' રંગના ડિઝાઈનર ગાઉનમાં વોક કરીને ગ્લોબલ મીડિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ સાથે જ તેની પુત્રી આરાધ્યાએ પણ ગ્લેમરસ લુકમાં કાન્સમાં પોતાનું અનઓફિશિયલ ડેબ્યૂ કર્યું છે.
1500 કલાકની હાથની કારીગરીથી તૈયાર થયો ડ્રેસ
ઐશ્વર્યા રાયનો આ અદભુત ડ્રેસ જાણીતા ડિઝાઇનર અમિત અગ્રવાલે સ્ટાઇલિસ્ટ મોહિત રાય સાથે મળીને તૈયાર કર્યો છે. આ ગાઉનનો રંગ 'અબિસ બ્લુ' છે, જે બ્રહ્માંડના પ્રકાશ અને અનંત આકાશના ઘેરા વાદળી રંગથી પ્રેરિત છે. આ ડ્રેસમાં વિશિષ્ટ 'ક્રિસ્ટલ વેઈન' ભરતકામ કરવામાં આવ્યું છે. જેમાં હજારો નાના કાચના ક્રિસ્ટલ્સને એક શિલ્પ જેવા જાળીદાર માળખામાં ગોઠવવામાં આવ્યા છે, જેથી પ્રકાશ પડતાની સાથે જ તે અદ્ભુત ચમક આપે છે. આ આખા ડ્રેસને અત્યંત ઝીણવટભરી હાથની કારીગરીથી બનાવવામાં 1500 કલાક કરતા પણ વધુ સમય લાગ્યો છે.
લાઈટ ઓન વિમેન્સ વર્થ ગાલામાં ₹3.5 લાખનો ડ્રેસ
રેડ કાર્પેટ પર વોક કર્યા બાદ ઐશ્વર્યા રાય 'લાઈટ ઓન વિમેન્સ વર્થ ગાલા' ઇવેન્ટમાં પાવડર પિંક કલરના આકર્ષક ડ્રેસમાં જોવા મળી હતી. સોફી કુટુર બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ વૈભવી ડ્રેસની કિંમત 3,700 યુએસ ડોલર એટલે કે અંદાજે 3.5 લાખ રૂપિયા છે.
બીજી તરફ, 14 વર્ષની આરાધ્યા બચ્ચને સેટિન રેડ કલરનો ગાઉન પહેર્યો હતો, જેની સાથે એક ચમકતી શિમરિંગ કેપ જોડવામાં આવી હતી. કાન્સના આ ભવ્ય મંચ પર મા-દીકરી વચ્ચેનો પ્રેમાળ સંબંધ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
કાન્સ સાથે ઐશ્વર્યાનો 24 વર્ષ જૂનો નાતો
ઐશ્વર્યા રાય વર્ષ 2002 થી અવિરતપણે દર વર્ષે આ પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બનતી આવી છે. વૈશ્વિક સિનેમાના આ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં તેનો ફાળો અતુલ્ય છે.
