Abhishek Bachchan Aishwarya Rai New York Vacation: બોલિવૂડનું હોટ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન હાલ ન્યૂયોર્કમાં પોતાની રજાઓની મજા માણી રહ્યા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આ કપલની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ન્યૂયોર્કના સુંદર રસ્તાઓ પર ક્વોલિટી ટાઈમ વિતાવતા અને લટાર મારતા જોવા મળી રહ્યા છે. ડિવોર્સની તમામ અફવાઓ વચ્ચે અભિષેક અને ઐશ્વર્યાને એકસાથે ખુશ જોઈને તેમના ફેન્સ અત્યંત ઉત્સાહિત થઈ ગયા છે.
કેઝ્યુઅલ લૂકમાં ફેન સાથે લીધી સેલ્ફી
ઓનલાઈન ફેન પેજ પર શેર કરવામાં આવેલી આ વાયરલ તસવીરમાં અભિષેક અને ઐશ્વર્યા ખૂબ જ રિલેક્સ અને કેઝ્યુઅલ મૂડમાં જોવા મળી રહ્યા છે. સાંજના સમયે બંને બહાર નીકળ્યા હતા ત્યારે એક ફેનની વિનંતી પર તેમણે રસ્તા વચ્ચે ઊભા રહીને મસ્ત અંદાજમાં સેલ્ફી આપી હતી. તસવીરના બેકગ્રાઉન્ડમાં સુંદર રેસ્ટોરન્ટ્સ અને શોપ્સ જોઈ શકાય છે.
આઉટફિટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન ટી-શર્ટ, કેપ અને પોતાની સિગ્નેચર બિયર્ડ લૂકમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે. બીજી તરફ, ઐશ્વર્યા રાય ઓલ-બ્લેક આઉટફિટ અને ઓપન હેર લૂકમાં જોવા મળી રહી છે. જોકે, કેટલાક નેટિઝન્સે ઐશ્વર્યાના આ લૂક પર કોમેન્ટ કરતાં લખ્યું કે હવે તેમના ચહેરા પર ઉંમરની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે, છતાં તેમની નેચરલ બ્યુટી અને સ્માઈલે ચાહકોના દિલ જીતી લીધા છે.
ડિવોર્સની અફવાઓ પર લાગી પૂર્ણવિરામ
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. તેમના લગ્નને સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તાજેતરમાં જ 20 એપ્રિલે તેમણે સોશિયલ મીડિયા પર એક ફેમિલી ફોટો શેર કર્યો હતો, જેમાં ઐશ્વર્યા, અભિષેક અને તેમની વહાલી દીકરી આરાધ્યા એકસાથે જોવા મળ્યા હતા.
વર્ષ 2011માં જન્મેલી આરાધ્યા હાલ મુંબઈની પ્રખ્યાત ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. વચ્ચે બંને વચ્ચે અણબનાવ અને ડિવોર્સ થવાના સમાચાર વહેતા થયા હતા, પરંતુ ન્યૂયોર્ક વેકેશનની આ તસવીરોએ તમામ અફવાઓને ખોટી સાબિત કરી દીધી છે.
