Govinda News: બોલીવુડના ‘હસીના માન જાયેગી’ અને ‘કુલી નંબર 1’ ફેમ દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ પોતાની માતા નિર્મલા દેવીના અવસાન બાદ અનુભવેલા ઊંડા માનસિક આઘાત અને પીડા વિશે અત્યંત લાગણીસભર ખુલાસો કર્યો છે. તાજેતરમાં ANI ને આપેલા એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ સ્વીકાર્યું હતું કે માતાના અવસાન બાદ તેઓ એટલા બધા ભાંગી પડ્યા હતા કે તેમના મનમાં આત્મહત્યા સુધીના વિચારો આવી ગયા હતા અને તેઓ માતાને મળવાની ઘેલછામાં નર્મદા નદીમાં ઊંડે સુધી ચાલ્યા ગયા હતા.
માતા સાથેનો ગાઢ પ્રેમ અને નર્મદા નદીની ઘટના
62 વર્ષીય અભિનેતા ગોવિંદાએ તે પીડાદાયક ક્ષણોને યાદ કરતા જણાવ્યું હતું કે, "હું તે સમયે ભારે ભાવનાત્મક પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. મને લાગતું હતું કે મારી જિંદગીમાં હવે બધું જ પૂરું થઈ ગયું છે. હું નર્મદા નદીના કિનારે હતો અને મને એવું લાગ્યું કે જો હું નદીના પાણીમાં થોડો આગળ વધીશ તો મને મારી માતા ફરી મળી જશે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ખરેખર જીવન ટૂંકાવવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે કબૂલ્યું કે, "હા, થોડા અંશે એવું જ હતું. હું મારી માતા સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલો હતો અને તેમને અનહદ પ્રેમ કરતો હતો."
પૂજારીએ આવીને જીવ બચાવ્યો
ગોવિંદાની આ આત્મઘાતી ક્ષણ દરમિયાન ત્યાં હાજર એક પૂજારી તેમના માટે દેવદૂત બનીને આવ્યા હતા. ગોવિંદાએ યાદ કર્યું કે ‘રામ કુંડલ’ નામના પૂજારીએ તેમને નદીના ઊંડા પાણી તરફ જતા જોયા અને તાત્કાલિક બૂમ પાડીને બોલાવ્યા. પૂજારી પાણીમાં ગયા અને ગોવિંદાને સુરક્ષિત બહાર ખેંચી લાવ્યા. આ ઘટના બાદ ગોવિંદાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેમણે કહ્યું, "મને સમજાયું કે હું કંઈક બહુ ખોટું કરી રહ્યો હતો. તે ક્ષણે મને પાઠ મળ્યો કે મારે હવે મારા પરિવાર અને મારા બાળકો માટે જીવવું પડશે."
નોંધનીય છે કે ગોવિંદાના માતુશ્રી નિર્મલા દેવી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી હતા. 15 જૂન, 1996ના રોજ 69 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
