Mumbai BMC Elections 2026: 'આ મહારાષ્ટ્ર છે ભાઈ…', હિન્દીમાં બોલવાની વિનંતી પર આમિર ખાનનો જવાબ વાયરલ; શું છે સમગ્ર વિવાદ?

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોના મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. આમિરના આ નિવેદને ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ અને સેલિબ્રિટીઓના સ્ટેન્ડ પર ચર્ચા જગાવી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 16 Jan 2026 12:42 PM (IST)Updated: Fri, 16 Jan 2026 12:42 PM (IST)
aamir-khan-sparks-language-row-while-voting-in-mumbai-bmc-elections-2026

Mumbai BMC Elections 2026: બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન ગુરુવારે મુંબઈમાં BMC ચૂંટણી માટે મતદાન કરવા પહોંચ્યા હતા. જોકે, મતદાન મથકની બહાર નીકળતી વખતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક એવી ઘટના બની, જેના કારણે સોશિયલ મીડિયા પર ભાષાને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

મતદાન કર્યા બાદ આમિર ખાન મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવા માટે ઉભા રહ્યા હતા. તેમણે શરૂઆતમાં મરાઠી ભાષામાં બોલવાનું શરૂ કર્યું. તે દરમિયાન ત્યાં હાજર કેટલાક મીડિયાકર્મીઓએ તેમને અટકાવ્યા અને હિન્દીમાં બોલવા માટે વિનંતી કરી. આ સાંભળીને આમિર ખાન થોડા આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે તરત જ જવાબ આપ્યો, 'હિન્દીમાં? અરે, આ મહારાષ્ટ્ર છે ભાઈ.'

ત્યારબાદ જ્યારે પત્રકારે કહ્યું કે આ સમાચાર દિલ્હી સુધી જશે, ત્યારે આમિરે 'ઠીક છે, દિલ્હી સુધી જશે' તેમ કહીને પોતાની વાત હિન્દીમાં ચાલુ રાખી હતી. તેમણે હિન્દીમાં કહ્યું, 'નગરપાલિકાએ અહીં ખૂબ સારી વ્યવસ્થા કરી છે. પાણી અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. હું દરેકને વિનંતી કરું છું કે તેઓ બહાર આવે અને તેમનો કિંમતી મત આપે.'

કટાક્ષ કે વિવાદ? નેટીઝન્સમાં બે ભાગ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોના મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. આમિરના આ નિવેદને ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ અને સેલિબ્રિટીઓના સ્ટેન્ડ પર ચર્ચા જગાવી છે.

એક વર્ગનું માનવું છે કે, આમિર ખાન માત્ર કટાક્ષ (Sarcasm) કરી રહ્યા હતા અને લોકો તેમની રમૂજવૃત્તિને સમજી શક્યા નથી. એક યુઝરે લખ્યું, 'હે ભગવાન, લોકો કટાક્ષ પણ સમજી શકતા નથી.' બીજા વર્ગની નારાજગી જોવા મળી. કેટલાક લોકોએ આમિરને ટ્રોલ કરતા લખ્યું કે, 'તેમની આજીવિકા હિન્દી ફિલ્મો પર નિર્ભર છે, તો પછી આવો જવાબ કેમ?' અન્ય એક યુઝરે સવાલ કર્યો કે, 'તો પછી તેઓ હિન્દીમાં ફિલ્મો કેમ બનાવે છે?'

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન પ્રોડક્શન્સની ફિલ્મ 'હેપ્પી પટેલ ડેન્જરસ સ્પાય' રિલીઝ થઈ છે. જેમાં વીર દાસ, શારિબ હાશ્મી અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે આમિર ખાન પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે.