ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
ભરુચ બેઠકની રસપ્રદ વિગત
ભરુચ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 153 નંબરની બેઠક છે. ભરુચ લોકસભા બેઠક જ છે. નર્મદા નદીના તટ પર વસેલું આ શહેર ઇસ પૂર્વે ૫૦૦થી અસ્તિત્વ ધરાવતું પ્રાચીન ઐતિહાસિક નગર છે. આ શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું. જે ભૃગુઋષિનાં નામ પરથી પડ્યું હતું. મહર્ષિ ભૃગુએ આ વિસ્તાર, કે જે તે સમયે લક્ષ્મીની માલિકી હેઠળ હતી, તેમાં કામચલાઉ રહેવાની રજા માંગી, અને પછી અહીં આશ્રમ સ્થાપ્યો હતો. ભરુચથી દક્ષિણ ભારત તથા ઈજિપ્ત અને આરબ રાજ્યો સાથે વ્યાપાર થતો હતો. ગ્રીક અને રોમન લોકો તેને બારિગાઝા જ્યારે અંગ્રેજો તેને બ્રોચ તરીકે ઓળખતા. ભરૂચમાં પસાર થત નર્મદા નદી, સિદ્ધિવિનાયક મંદિર, ગોલ્ડન બ્રિજ, ગુમાન દેવ, જૂનો કિલ્લો, જામા મસ્જિદ, ભૃગુ ઋષિનું મંદિર, જુના અંબાજી, કબીર વડ આવેલા છે.
10 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 19 પુરુષ અને 2 મહિલા મળી કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ભરૂચ બેઠક પર મુસ્લિમ અને આદિવાસી મતદાતાઓનું પ્રભુત્વ જોવા મળે છે. તેમ છતાં અહીં ભાજપનો દબદબો જોવા મળે છે. 1995થી આ બેઠક પરથી ભાજપની જીત થતી આવે છે. તો છેલ્લી 3 ટર્મથી અહીંથી ભાજપના દુષ્યંત પટેલનો વિજય થાય છે.
આ બેઠક પર 2022માં કેટલા મતદારો
ભરુચ બેઠક પર બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 149550, સ્ત્રી મતદારો 143459, જ્યારે અન્યોની સંખ્યા 23 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 293032 છે.
બે તબક્કામાં મતદાન
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
