ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
વેજલપુર બેઠકની રસપ્રદ વિગત
વેજલપુર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 42મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. એ પહેલા આ બેઠક સરખેજ વિધાનસભા બેઠકનો ભાગ હતી અને ભાજપનો ગઢ માનવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા. નવા સિમાંકન પછી પણ ભાજપનો આ બેઠક પર દબદબો રહ્યો છે. 2012 અને 2017માં પણ ભાજપના ઉમેદવાર આ બેઠક પર વિજયી થયા હતા.
12 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 20 પુરુષ અને 4 મહિલા મળી કુલ 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે.
બેઠક પર મતોનું પ્રભુત્વ
વેજલપુર બેઠક પર મતોનું પ્રભુત્વ જોઇએ તો આ બેઠક પર મુસ્લિમ અને ઓબીસી મતદાતાઓ નિર્ણાયક સાબિત થઇ શકે છે.
