ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
ઓલપાડ બેઠકની રસપ્રદ વિગત
ઓલપાડ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 155 નંબરની બેઠક છે. ઓલપાડ સુરત લોકસભા બેઠકમાં આવે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. ઓલપાડમાં 105 જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં કીમ નદી, સેનાખાડી નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો શેરડી, કપાસ, ડાંગર, ધઉં શાકભાજી, બાજરી, ધઉં, ચણા, વાલ, છે. આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ હતી પરંતુ 1990માં ભગુભાઈ પટેલે આ બેઠક જીતીને ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. 1990થી આ બેઠક પર ભાજપ જીતી રહ્યું છે. આ બેઠકને ભાજપ સમર્પિત માનવામાં આવે છે.
13 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 18 પુરુષ અને 1 મહિલા મળી કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ઓલપાડ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 1990થી આ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત થતી આવી છે. 2012 અને 2017માં ભાજપના મુકેશ પટેલની અહીંથી જીત થઈ હતી. 1990થી અહીંથી ભાજપના પટેલ ઉમેદવારોની જીત થતી આવે છે.
આ બેઠક પર 2022માં કેટલા મતદારો
ઓલપાડ બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 241089, સ્ત્રી મતદારો 213741, જ્યારે અન્યોની સંખ્યા 8 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 454838 છે.
બે તબક્કામાં મતદાન
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
