ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરોસાની સરકારના સ્લોગન સાથે ભાજપ પોતાના વિકાસકાર્યોની ગાથા ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ પરિવર્તન લાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ લડાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.
અંકલેશ્વર બેઠકની રસપ્રદ વિગત
અંકલેશ્વર ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 154 નંબરની બેઠક છે. અંકલેશ્વર ભરુચ લોકસભા બેઠકમાં આવે છે. ભરૂચ જિલ્લાના આઠ તાલુકા પૈકી અંકલેશ્વ૨ તાલુકો તેની કેટલીક વિવિધતાઓથી અલાયદો તરી આવે છે. અંકલેશ્વ૨ ખાતે એશિયાની સૌથી મોટામાં મોટી ઔદ્યોગિક વસાહત આવેલ છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં 1500થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.તેમજ નર્મદા નદીને કિનારે આવેલ હોવાને કા૨ણે ગ્રામજનો મત્સ્ય ઉદ્યોગના ધંધામાંથી રોજગારી મેળવે છે.
12 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 16 પુરુષ અને 1 મહિલા મળી કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ઔદ્યોગિક નગરી અંકલેશ્વર બેઠક 1990થી ભાજપનો ગઢ ગણાય છે. 2002 એમ 2017 એમ ચાર ચૂંટણીઓમાં ભાજપના ઈશ્વર પટેલનો વિજય થયો છે. તેવામાં આ વખતે જોવાનું રહેશે કે, કોંગ્રેસ ભાજપનો વિજયરથ અટકાવી શકે છે કેમ.
આ બેઠક પર 2022માં કેટલા મતદારો
અંકલેશ્વર બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 130560, સ્ત્રી મતદારો 119702, જ્યારે અન્યોની સંખ્યા 23 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 250285 છે.
બે તબક્કામાં મતદાન
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
