કોંગ્રેસમાં ભડકો, ટિકિટ ના મળતા નારાજ પેટલાદના ધારાસભ્યએ રાજીનામું આપ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Nov 2022 10:48 PM (IST)Updated: Wed, 16 Nov 2022 10:51 PM (IST)
congress-mla-from-petlad-assembly-seat-niranjan-patel-resign

આણંદ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ મોટાભાગની બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ સાથે જ ટિકિટ મળતા ઉમેદવારો જશ્ન મનાવી રહ્યાં છે, તો કેટલીક બેઠકો પર ટિકિટ કપાતા કેટલાક ઉમેદવારોની નારાજગી જોવા મળી રહી છે. આવા નારાજ થયેલા કેટલાક ઉમેદવારો પોતાની પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. એવામાં આજે ટિકિટના મળતા કોંગ્રેસના નારાજ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પેટલાદ વિધાનસભા બેઠક પરના સીટીંગ ધારાસભ્ય નિરંજન પટેલે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું મોકલી દીધુ છે. એવું કહેવાય છે કે, નિરંજન પટેલે પેટલાદ વિધાનસભા બેઠક પર પોતાના અથવા પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હતી. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમની માંગણીને નજર અંદાજ કરીને આ બેઠક ઉપર ડૉ પ્રકાશ પરમારને ટિકિટ આપી છે. આમ પેટલાદ બેઠક ઉપર પોતાનું પત્તુ કપાઈ જવાથી નારાજ નિરંજન પટેલે કોંગ્રેસના તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ છોટા ઉદેપુર બેઠક પરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા તેમજ તાલાલા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ભગા બારડ તેમજ ઝાલોદ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ભાવેશ કટારા પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે.

જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ દ્વારા આજે પોતાની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની ફાઈનલ લિસ્ટમાં 37 ઉમેદવારોના નામ છે. જેમાં બાયડ વિધાનસભા બેઠક પર શંકરસિંહ વાઘેલાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે.