RTE Gujarat Admission 2026-27 FAQ: RTE ('રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા માંગતા વાલીઓના મનમાં અનેક પ્રશ્ન હોય છે. RTE માં ફોર્મ ભર્યું હોય અથવા આવનારા વર્ષમાં ફોર્મ ભરવાના છો તો તેમના મનમાં અનેક પ્રશ્નો હોય છે જેમનો તેઓ યોગ્ય જવાબ મળે તે ઈચ્છતા હોય છે. આજે અહીં RTE માં વારંવાર પૂછાતા પ્રશ્ને અંગે અમે જણાવીશું.
સવાલ- ઓનલાઈન પ્રવેશ મળી ગયા પછી શું કરવાનું હોય છે?
જવાબ- ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીનાં ક્રમનાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે. ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.
સવાલ- બાળકે ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો તેનું ફોર્મ આરટીઈમાં ભરી શકાય?
જવાબ- આપનું બાળક જો ધોરણ ૧ માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે અને ફોજદારી કાર્યવાહી થઇ શકે છે.
સવાલ- પ્રવેશ મળ્યા પછી શાળામાં કોઈ ફી ભરવાની છે?
જવાબ- આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયામાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-2009 હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.3000 લેખે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.
સવાલ- આવકનો દાખળો કયા સમયનો જોઈશે?
જવાબ- આવકનો દાખલો મામલતદાર અથવા તાલુકા વિકાસ અધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તા. 1 એપ્રિલ 2022 પછીનો જ માન્ય ગણાશે.
સવાલ- RTE માં પ્રવેશ મેળવવા કયા કયા માધ્યમની પસંદગી કરી શકાય?
જવાબ- આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઇચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો.એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્દી અથવા ઉર્દુ અથવા મરાઠી, વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઇપણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો.
સવાલ- શાળાની ફાળવણી કેવી રીતે થાય છે?
શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
- બાલગૃહનાં બાળકો
- બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
- મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
- ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
- જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
- રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
- જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો
દરેક કેટેગરીમાં આપે પસંદ કરેલી પ્રથમ (1) ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળા ફાળવવામાં આવશે. જો પ્રથમ (૧) ક્રમની શાળા વધુ અગ્રતા વાળા બાળકોથી ભરાઈ ચુકી હશે તો બીજા (૨) ક્રમની શાળા ફાળવવામાં આવશે. આમ આપે પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફાળવાશે. જો પસંદ કરેલ કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં. આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર, શાળાનું સરનામું, શાળાનું માધ્યમ વગેરે ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદગી કરવી હિતાવહ છે. જેથી, પ્રવેશ મળવાની શક્યતા વધુ રહે છે.
સવાલ- પ્રવેશ મળ્યાની જાણ કેવી રીતે જાય છે?
જવાબ- આપે દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે. નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે કોઇ વાર SMS ના પણ મળે તેથી આપે વખતોવખત વેબપોર્ટલ https://rte.orpgujarat.com જોતા રહેવું. અરજી કન્ફર્મ થયા બાદ આપ કોઇ પણ સમય પર આપનો અરજી નંબર અને જન્મ તારીખ એન્ટર કરી પ્રવેશ ની સ્થિતિ જોઇ શકો છો. આપને પ્રવેશ મળ્યાની જાણ થયા બાદ તુરંત જ જે તે શાળામાં જરૂરી આધાર સાથે શાળાના સમયે પહોચી જઇ પ્રવેશ મેળવી લેવો. જણાવેલ સમયમર્યાદામાં આપ પ્રવેશ નહિ મેળવો તો આપનો પ્રવેશ રદ થઇ જશે અને પછીના ક્રમના બાળકને ફાળવણી થઇ જશે.
સલાવ- સ્કૂલ પ્રવેશ આપવાની ના પાડે તો?
જવાબ- ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.
