Gujarat PTC Admission: ગુજરાતની PTC કોલેજોમાં પ્રવેશ માટે ચોઈસ ફિલિંગ શરૂ, 29 સપ્ટેમ્બર છેલ્લી તારીખ

ગુજરાતભરની PTC કોલેજોની 18,625 બેઠકો માટે 62 હજાર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 21 Sep 2026 10:27 AM (IST)Updated: Mon, 21 Sep 2026 10:27 AM (IST)
gujarat-ptc-admission-2026-choice-filling-schedule-for-18625-seats-september-24
Gujarat PTC Admission 2026-27

Gujarat PTC Admission 2026-27: રાજ્યની PTC (D.El.Ed) કોલેજોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. અઢી મહિના જેટલા લાંબા વિલંબ બાદ આગામી 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં 209 PTC કોલેજોની કુલ 18,625 બેઠકો માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ચોઈસ ફિલિંગ પ્રક્રિયામાં શા કારણે થયો વિલંબ?

PTC પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશનની કામગીરી જુલાઈના પ્રારંભમાં જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. જોકે, રજિસ્ટ્રેશન બાદ પ્રવેશ પ્રક્રિયા આગળ ધપાવવામાં ભારે વિલંબ થયો હતો. પ્રવેશ પ્રક્રિયા અટકવાનું મુખ્ય કારણ દિવ્યાંગ વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેની જોગવાઈને લઈને ઊભી થયેલી ગૂંચવણ હતું. હવે આ ગૂંચવણ ઉકેલાઈ ગઈ છે અને વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં સમાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

એક બેઠક માટે ત્રણથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા

ચાલુ વર્ષે રાજ્યની 209 PTC કોલેજોની 18,625 બેઠકો સામે આશરે 62,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે સરેરાશ એક બેઠક મેળવવા માટે ત્રણ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રવેશ પ્રક્રિયામાંથી 33 કોલેજોને બાકાત રાખવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નવી ભરતી થઈ હોવાના કારણે વિદ્યાર્થીઓનો PTC અભ્યાસક્રમ તરફ આકર્ષણ વધ્યું છે.

નોંધનીય છે કે, ગત વર્ષે પ્રથમ વર્ષનું સત્ર 18 જૂન આસપાસ શરૂ થઈ ગયું હતું, જ્યારે આ વર્ષે 18 સપ્ટેમ્બર પણ પસાર થઈ ગયો છે. હવે પ્રવેશ ફાળવણી અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોલેજોમાં હાજર થવામાં પણ સમય લાગશે. પરિણામે સત્ર ઓક્ટોબરમાં શરૂ થવાની શક્યતા છે. તહેવારો, વેકેશનને લીધે નિયમિત અભ્યાસ માટે દિવસો ઓછા રહેવાની સ્થિતિ સર્જાશે.

સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન પ્રક્રિયા થકી મોટી રાહત

ગુજરાત રાજ્ય ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર કર્મચારી સંઘના પ્રમુખ લાભુભાઈ ચાવડાએ જણાવ્યું કે, આ વર્ષે D.El.Ed પ્રવેશ પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન કરવામાં આવી હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. અગાઉના વર્ષોમાં ઓફલાઈન ફોર્મ ભરવા જવું પડતું, પરંતુ ગત વર્ષથી ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતાં અને D.El.Ed તરફ પ્રવાહ વધતા વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ખૂબ અનુકૂળ સાબિત થઈ છે.