Gujarat Primary School Diwali Vacation 2026: ગુજરાત રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશનની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર, આ શૈક્ષણિક વર્ષમાં દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી કુલ 21 દિવસનું રહેશે.
દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં 26 નવેમ્બર, 2026 થી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. આ દિવાળી વેકેશન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખોને આધારે નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વેકેશનની તારીખોમાં એકરૂપતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપી છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) ને આપસમાં યોગ્ય સંકલન કરીને વેકેશનની તારીખ જાહેર કરવા જણાવ્યું છે. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર PTC કોલેજો તેમજ તેમના તાબા હેઠળની તમામ સ્કૂલોને પરિપત્ર મુજબ જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
બીજી તરફ, તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. NCTE ના ધારાધોરણો મુજબ પ્રથમ વર્ષ માટે નિર્ધારિત કરવામાં આવેલા કાર્ય દિવસો પૂર્ણ કરવાના હોવાથી, તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય 19 નવેમ્બર 2026 થી પુનઃ શરૂ કરી દેવામાં આવશે.
