Gujarat Police Mega Recruitment: ગુજરાત પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા રાજ્યના લાખો યુવાનો માટે અત્યાર સુધીના સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. અગાઉ જાહેર કરાયેલી 3,000 જગ્યાઓમાં રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં કુલ 12,993 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ મેગા ભરતીમાં લોકરક્ષક કેડરની 12,752 અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની 241 જગ્યાઓનો સમાવેશ થાય છે. જે અંગે ગુજરાતના નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપવામાં આવી છે.
ભરતીમાં થયેલા મોટા ફેરફારની મુખ્ય વિગતો
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે આ નિર્ણય લેવાયો છે. અગાઉ જ્યાં માત્ર 3,000 પદો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, ત્યાં હવે જગ્યાઓની સંખ્યા વધારીને 12,993 કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા સમયથી શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોની પસંદગીની તકો ચાર ગણી વધી ગઈ છે.
કઈ કેડરમાં કેટલી જગ્યાઓ ભરાશે? (સંપૂર્ણ વિગત)
ક્રમ | પોસ્ટનું નામ | જગ્યાઓ |
|---|---|---|
1 | બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 8,233 |
2 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 1,132 |
3 | SRPF કોન્સ્ટેબલ | 3,107 |
4 | બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) | 225 |
કુલ જગ્યાઓ | 12,697 |
(નોંધ: કેટેગરી મુજબ એટલે કે જનરલ, EWS, SEBC, SC અને ST કેટેગરી મુજબની અનામત બેઠકોનું સત્તાવાર વિભાજન ભરતી બોર્ડ દ્વારા તેની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલા સુધારેલા નોટિફિકેશનમાં જોઈ શકાશે.)
શૈક્ષણિક લાયકાત અને પસંદગીના ધોરણો
બંને કેડર માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવી છે:
PSI કેડર (241 જગ્યાઓ) માટે: ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduation)ની ડિગ્રી મેળવેલી હોવી ફરજિયાત છે.
લોકરક્ષક કેડર (12,752 જગ્યાઓ) માટે: ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 (HSC)અથવા સરકાર માન્ય સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. (ટેકનિકલ કેડર માટે ITI અને સંબંધિત લાયકાત લાગુ પડશે).
પસંદગી પ્રક્રિયા અને અરજી અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નિયમો મુજબ આ ભરતી પ્રક્રિયા મુખ્ય ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે:
- શારીરિક કસોટી (PET / PST): ઉમેદવારોની ઊંચાઈ, છાતી અને દોડની ક્ષમતા ચકાસવામાં આવશે.
- લેખિત પરીક્ષા (MCQ): શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાશે.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન: મેરિટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી થશે.
- મેડિકલ તપાસ: અંતિમ તબક્કામાં શારીરિક યોગ્યતાની તબીબી તપાસ બાદ નિમણૂક પત્ર આપવામાં આવશે.
ઉમેદવારો માટે ખાસ સૂચના
જે ઉમેદવારો બંને કેડર (PSI અને લોકરક્ષક) માટે લાયકાત ધરાવે છે, તેઓ બંને પદો માટે અરજી કરી શકે છે. અરજી કરવાની તારીખો, વયમર્યાદામાં છૂટછાટ અને કેટેગરી મુજબની બેઠકોની ચોક્કસ માહિતી માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in અને ojas.gujarat.gov.inપર મુકાયેલી સુધારેલી જાહેરાતનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો.
