BAMS-BHMS Admission 2026-27: ગુજરાત સરકારની 'એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ' (ACPUGMEC) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આયુર્વેદિક (BAMS) અને હોમિયોપેથી (BHMS) કોર્સીસમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફિલિંગ પ્રક્રિયા 19 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે.
સ્ટેટ અને 15% ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો
પ્રવેશ સમિતિ ACPUGMEC દ્વારા જણાવ્યા મુજબ, મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવેલ લાયક ઉમેદવારો સ્ટેટ ક્વોટા તેમજ 15 ટકા SFI AIQ (ઓલ ઈન્ડિયા ક્વોટા) ની BAMS અને BHMS ની બેઠકો માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે. આ પ્રવેશ પ્રક્રિયા અંગેની વધુ વિગતો માટે વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઈટ www.medadmgujarat.org પર નિયમિત માહિતી મેળવી શકશે.
કોલેજોની મંજૂરી અને સીટ ફાળવણીના નિયમો
તમામ આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક કોલેજો માટે ચોઈસ ફીલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નિયત સમયમર્યાદા પહેલાં જે કોલેજોને 'નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન', 'નેશનલ કમિશન ફોર હોમિયોપેથી', આયુષ મંત્રાલય (નવી દિલ્હી) દ્વારા મંજૂરી અને સંબંધિત યુનિવર્સિટીનું જોડાણ પ્રાપ્ત થશે, માત્ર તે જ કોલેજોની બેઠકોનો સીટ ફાળવણીમાં સમાવેશ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન, ઈ-મેઈલ માર્ગદર્શન
પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને થતા પ્રશ્નો કે મૂંઝવણના નિવારણ માટે કમિટી દ્વારા ટેલિફોનિક અને ઈ-મેઈલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે:
- હેલ્પલાઈન નંબર: 9099058953 (સવારે 10:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી)
- ઈ-મેઈલ સરનામું: medadmgujarat2018@gmail.com
