GSOS Board Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગની જેમ હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ માટે અલાયદી અને ખાસ બોર્ડ પરીક્ષા યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત આયોજિત ખાસ પરીક્ષા આગામી નવેમ્બર અને ડિસેમ્બર 2026 દરમિયાન લેવાશે
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ
વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકે તે માટે ખાસ નિર્ણય લેવાયો છે. આ વિશેષ પરીક્ષા માટેના આવેદનો માત્ર ઓનલાઈન મોડથી જ સ્વીકારાશે, ઓનલાઈન રજીસ્ટ્રેશનની તારીખની વાત કરીએ તો, 23 સપ્ટેમ્બર મંગળવારથી જ શરુઆત થઈ ગઈ છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર 2026 રાત્રે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. તેમજ પોતાની હાઈસ્કૂલનો સંપર્ક સાધીને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
શા માટે લેવાયો નિર્ણય?
ગુજરાતના છાત્રો, વાલીઓ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા સતત રજૂઆત કરવામાં આવી હતી કે, નેશનલ ઓપન બોર્ડની તર્જ પર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ દ્વારા પણ અલાયદી પરીક્ષાનું આયોજન થવું જોઈએ. આ રજૂઆતોને ધ્યાને રાખીને બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. જે શિક્ષણથી વંચિત રહી ગયેલ અને ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પૂરો કરવાની સુવર્ણ તક સમાન છે.
કયા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આ ખાસ બોર્ડ પરીક્ષાનો લાભ જે આ વિદ્યાર્થીઓ લઈ શકે છે. જે મુખ્ય પરીક્ષા અથવા પૂરક પરીક્ષામાં ગેરહાજર કે નાપાસ રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ, કોઈ કારણોસર બો્ર્ડ પરીક્ષા આપવાની ચૂકી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ અને કોઈ સંજોગોવસાત વર્ષો પહેલા અભ્યાસ છોડી દીધો હોય કે પરીક્ષા ન આપી શક્યા હોય તેવા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે.
