GSEB Class 10 Supplementary Exam (Purak Pariksha) 2026 Expected Date (ધોરણ 10 પૂરક પરીક્ષા તારીખ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 10 (SSC) ની પરીક્ષાનું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે.
પરિણામના મુખ્ય આંકડાઓ
ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ધોરણ 10 ની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2026 દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે.
બીજી તરફ, કુલ 1,83,674 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ થઈ શક્યા નથી. અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ અને 16,763 GSOS (ખાનગી) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓને મળશે બીજી તક
અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે હેતુથી ગુજરાત બોર્ડ દ્વારા જૂન-2026 માં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા 'Best of Two' પદ્ધતિ હેઠળ લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને પોતાના ગુણ સુધારી શકશે. જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય અથવા પરિણામ સુધારવા ઈચ્છતા હોય તેઓ પણ આ પૂરક પરીક્ષામાં બેસી શકશે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને ફીનું માળખું
પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો શાળાઓ દ્વારા ઓનલાઈન ભરવાના રહેશે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. નોંધનીય છે કે પરીક્ષા ફી અને આવેદનપત્રો માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે, રૂબરૂ ફોર્મ સ્વીકારવાની કોઈ જોગવાઈ નથી.
પરીક્ષા ફીની વિગતો
- 1 વિષય માટે: રૂ. 155
- 2 વિષય માટે: રૂ. 225
- 3 વિષય માટે: રૂ. 285
- 3 થી વધુ વિષયો માટે: રૂ. 415
કન્યાઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ છૂટછાટ
સરકારના નિયમ મુજબ, કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ (Physically Challenged) વિદ્યાર્થીઓને પરીક્ષા ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જોકે, આ વિદ્યાર્થીઓ માટે પણ પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ મળતી શૂન્ય (0) ફીની રિસીપ્ટ પુરાવા તરીકે સાચવી રાખવાની રહેશે, જેની ભવિષ્યમાં જરૂર પડી શકે છે.
