Career in Acting: જો તમે ફિલ્મ, એક્ટિંગ, ડિરેક્શન કે ટેલિવિઝનની ગ્લેમરસ અને ક્રિએટિવ દુનિયામાં સફળ કરિયર બનાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો 'ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા' (FTII), પુણે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પુણેમાં આવેલી આ સંસ્થા દેશની સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ છે, જેની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. FTII એ ભારતીય સિનેમાને ઓમ પુરી, શબાના આઝમી, નસીરુદ્દીન શાહ અને રાજકુમાર રાવ જેવાં દિગ્ગજ કલાકારો આપ્યા છે.
અહીં વિદ્યાર્થીઓને ફિલ્મો અને ટીવી સિરિયલો કેવી રીતે બનાવવી તેનું પ્રેક્ટિકલ અને થિયરી એમ બંને પ્રકારનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે છે.
મુખ્ય કોર્સ અને લાયકાત વિશે જાણો
FTII માં મુખ્યત્વે બે વિભાગો કાર્યરત છે: ફિલ્મ વિંગ અને ટેલિબિઝન વિંગ. આ સંસ્થાની ખાસિયત એ છે કે મોટાભાગના કોર્સમાં માત્ર 10 થી 12 સીટો જ ઉપલબ્ધ હોય છે.
1) ફિલ્મ વિંગ (ફિલ્મ બનાવવા માટેના કોર્સ):
- 3 વર્ષના કોર્સ: આમાં ફિલ્મ ડિરેક્શન, સ્ક્રિપ્ટ રાઇટિંગ, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, સાઉન્ડ અને સેટ ડિઝાઇનિંગ શીખવવામાં આવે છે.
- 2 વર્ષના કોર્સ: આમાં ખાસ કરીને સ્ક્રીન એક્ટિંગ અને વાર્તા લખવાનું તાલીમ આપવામાં આવે છે.
- એડમિશન માટે લાયકાત: આ કોર્સમાં જોડાવા માટે કોઈપણ વિષયમાં કોલેજ (ગ્રેજ્યુએશન/સ્નાતક) પૂરી કરેલી હોવી જોઈએ. જો સેટ ડિઝાઇનિંગનો કોર્સ કરવો હોય તો આર્કિટેક્ચર કે ડિઝાઇનમાં ડિગ્રી હોવી જરૂરી છે.
2) ટેલિવિઝન વિંગ (ટીવી પ્રોગ્રામ માટેના કોર્સ):
- 1 વર્ષના સર્ટિફિકેટ કોર્સ: અહીં 1 વર્ષના કોર્સમાં ટીવી ડિરેક્શન, વિડિયો એડિટિંગ, સાઉન્ડ રેકોર્ડિંગ અને ટીવી એન્જિનિયરિંગ શીખવાડવામાં આવે છે.
- એડમિશન માટે લાયકાત: આમાં એડમિશન લેવા માટે પણ કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
અભ્યાસની ખાસિયતો અને અદ્યતન સુવિધાઓ
- પ્રેક્ટિકલ ટ્રેનિંગ: અહીં એડમિશન લીધાના પહેલા જ વર્ષથી બધા જ વિભાગના (એક્ટિંગ, ડિરેક્શન, કેમેરા વગેરે) વિદ્યાર્થીઓ ભેગા મળીને 5 થી 30 મિનિટની શોર્ટ ફિલ્મો બનાવવાનું શરૂ કરી દે છે.
- ફિલ્મો જોવી એ પણ ભણતર: વિદ્યાર્થીઓને અભ્યાસના ભાગરૂપે દુનિયાભરની અને ભારતની ઉત્કૃષ્ટ ફિલ્મો બતાવવામાં આવે છે. સંસ્થા પાસે હજારો ફિલ્મો, 32,000 થી વધુ પુસ્તકો અને વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે.
- અદ્યતન સુવિધાઓ: સંસ્થા પાસે એક્ટિંગ માટેના સ્ટુડિયો, સેટ બનાવવા માટેની વર્કશોપ, મલ્ટી-કેમેરા ટીવી સ્ટુડિયો અને સાઉન્ડ મિક્સિંગ માટેના લેટેસ્ટ સાધનો છે.
- ટૂંકા કોર્સ: જેમને લાંબો કોર્સ નથી કરવો તેમના માટે સંસ્થા શોર્ટ-ટર્મ કોર્સ અને ઓનલાઇન વર્કશોપ પણ ચલાવે છે (જેમ કે ફિલ્મ સમજવી, ડબિંગ વગેરે).
