GSEB Supplementary Exam Result 2026: ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-2026માં લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવવાનું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડના પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે, ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ના તમામ પ્રવાહોનું પરિણામ આજે 3 જુલાઈના રોજ સવારે 11 કલાકે જાહેર કરવામાં આવશે.
બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર પરિણામ મળશે
પૂરક પરીક્ષાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જવું પડશે. જ્યાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાનો બેઠક ક્રમાંક એડ કરશે, તે સાથે જ સ્ક્રીન પર પરિણામ જોવા મળી જશે.
આવી જ રીતે ડિજિટલ માધ્યમથી ઝડપથી પરિણામ મેળવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને ત્વરિત પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓને માર્કશીટ હાલ નહીં મળે
વધુમાં શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને ગુણ પત્રક સહિતના પ્રમાણ પત્રો શાળાઓમાં મોકલવા અંગે ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે. આજે પરિણામ જાહેર થયા બાદ જો કોઈ વિદ્યાર્થીને ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા કે ગુણ-તૃટ અસ્વીકાર જેવી પ્રક્રિયા કરવી હોય, તો તેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પરથી મેળવી શકાશે.

11 જૂનથી શરૂ થયેલી પૂરક પરીક્ષામાં 2.07 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ
ગત ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ નાપાસ થયેલા તેમજ પોતાનું પરિણામ સુધારવા માટે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા 11 જૂનથી પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 10માં કુલ 1,23,793 તેમજ ધોરણ 12ના સાયન્સ પ્રવાહના 30,446, સામાન્ય પ્રવાહના 53,061 મળીને કુલ 2.07 લાખ લોકોએ પૂરક પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. ખાસ વાત એ છે કે, ફેબ્રુઆરીમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પણ પોતાનું પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા આપી હતી.
