Gujarat Anganwadi Bharti 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતી મહિલાઓ માટે આંગણવાડી ભરતી 2026 હેઠળ નોકરી મેળવવાની તક છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી વર્કર અને આંગણવાડી તેડાગરની માનદ સેવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 અને 12 પાસ મહિલાઓ અરજી કરી શકશે. તો જાણીએ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે, કોણ અરજી કરી શકશે અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.
ગુજરાત આંગણવાડી ભરતી 2026ની મહત્વપૂર્ણ માહિતી
વિગતો | માહિતી |
|---|---|
સંસ્થા | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર |
યોજના | સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) |
પોસ્ટનું નામ | આંગણવાડી વર્કર અને આંગણવાડી તેડાગર |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાતના વિવિધ જિલ્લાઓ |
વયમર્યાદા | 18થી 33 વર્ષ |
પસંદગી પ્રક્રિયા | મેરિટ આધારિત |
અરજી કરવાની વેબસાઈટ |
કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
જિલ્લો | આંગણવાડી વર્કર | આંગણવાડી તેડાગર |
|---|---|---|
ગાંધીનગર (શહેરી) | 7 | 10 |
દેવભૂમિ દ્વારકા | 5 | 4 |
અરવલ્લી | 0 | 1 |
બનાસકાંઠા | 0 | 1 |
પાટણ | 1 | 0 |
કુલ જગ્યાઓ | 13 | 16 |
કુલ | 29 |
આંગણવાડી વર્કર: આ પોસ્ટ માટે ઉમેદવાર ઓછામાં ઓછા ધોરણ 12 પાસ હોવા જોઈએ. જો ઉમેદવારે ધોરણ 10 પછી AICTE માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો હોય, તો તેઓ પણ અરજી કરી શકશે.
આંગણવાડી તેડાગર: આ પોસ્ટ માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.
આંગણવાડી ભરતી માટે વયમર્યાદા
આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર, અરજી કરવાની છેલ્લી તારીખના રોજ નીચે મુજબ હોવી જોઈએ:
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ.
- મહત્તમ ઉંમર: 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી કરેવી રીતે કરવી?
આ ભરતી માટે ઉમેદવારોએ ગુજરાત સરકારના e-HRMS પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે નીચેની પ્રક્રિયા અનુસરો.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index પર જાઓ.
- ત્યારબાદ ભરતી સંબંધિત જાહેરાત પસંદ કરીને તેમાં આપવામાં આવેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો.
- હવે ઓનલાઈન અરજીના વિકલ્પ પર ક્લિક કરીને જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
- ત્યારબાદ માર્કશીટ, રહેવાસી પ્રમાણપત્ર, અનામત વર્ગનું પ્રમાણપત્ર અથવા વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સહિતના જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરતાં પહેલાં ભરેલી તમામ વિગતો અને અપલોડ કરેલા દસ્તાવેજો બરાબર છે કે નહીં તેની તપાસ કરો.
- ત્યારબાદ અરજી સબમિટ કરીને તેની નકલ ભવિષ્ય માટે સાચવી રાખો.
સ્થાનિક રહેવાસી અને જરૂરી દસ્તાવેજો અંગેના નિયમો
ગુજરાત આંગણવાડી ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર જે વિસ્તારની ખાલી જગ્યા માટે અરજી કરે છે, તે વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જરૂરી છે. ગ્રામીણ વિસ્તારમાં સંબંધિત મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના સંબંધિત ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષથી રહેવાસી હોવી ફરજિયાત છે.
આ માટે ઉમેદવારે સંબંધિત મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવેલું રહેવાસી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી છ મહિનાથી જૂનું હોવું જોઈએ નહીં.
ભરતી માટેના અન્ય મહત્વપૂર્ણ નિયમો અને શરતો
આંગણવાડી ભરતીમાં અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ નીચેના નિયમો અને શરતો જાણી લેવા જરૂરી છે.
કૌટુંબિક સંબંધો અંગેનો નિયમ: એક જ આંગણવાડી કેન્દ્રમાં વર્કર અને તેડાગરની જગ્યા પર સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, બે બહેનો અથવા નણંદ-ભાભી જેવા નજીકના કૌટુંબિક સંબંધ ધરાવતી મહિલાઓની નિમણૂક થઈ શકશે નહીં.
હાલમાં ફરજ બજાવતા તેડાગરને અગ્રતા: જે મહિલાઓ હાલમાં આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવે છે અને આંગણવાડી વર્કરની જગ્યા માટે અરજી કરે છે, તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગના 25 નવેમ્બર, 2019ના ઠરાવ મુજબ પસંદગી પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે.
કોણ અરજી કરી શકશે નહીં: ગુનાહિત ઇતિહાસ ધરાવતી, પોલીસ ફરિયાદ અથવા કોર્ટમાં સજા સંબંધિત અયોગ્યતા ધરાવતી, અગાઉ સરકારી નોકરીમાંથી ફરજમોકૂફ કે બરતરફ થયેલી અથવા નાદાર જાહેર થયેલી મહિલાઓ આ ભરતી માટે અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
