October 2026 Gujarati Calendar: વર્ષ 2026 નો ઓક્ટોબર મહિનો ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારોથી ભરપૂર રહેવાનો છે. આ મહિનામાં નવરાત્રિ, વિજયાદશમી (દશેરા), શરદ પૂર્ણિમા અને કરવા ચોથ જેવા મોટા પર્વો ઉજવવામાં આવશે. શરદ ઋતુના આગમન સાથે શરૂ થતો આ મહિનો આધ્યાત્મિકતા અને ઉત્સાહનો સંગમ છે. દુર્ગા પૂજા અને નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની આરાધના તેમજ દશેરાના દિવસે અનિષ્ટ પર સત્યના વિજયની ઉજવણી ઓક્ટોબર મહિનાને વિશેષ બનાવે છે.
ઓક્ટોબર મહિનાનું ધાર્મિક મહત્વ શું છે?
હિન્દુ પંચાંગ મુજબ દરેક મહિનાની જેમ ઓક્ટોબર મહિનો પણ વ્રત અને તહેવારો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શરદ ઋતુની શરૂઆત થાય છે અને તહેવારોની હારમાળા સર્જાય છે. આ પર્વો ભારતીય સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક દર્શાવવાની સાથે લોકોના જીવનમાં આનંદ પણ ભરે છે. ભગવાન શ્રીરામ, માતા દુર્ગા, શિવજી અને ચંદ્રદેવની વિશેષ આરાધના માટે આ મહિનો ઉત્તમ ગણાય છે.
ઓક્ટોબર 2026 ના મુખ્ય તહેવારો કયા છે?
શારદીય નવરાત્રિ: પંચાંગ અનુસાર, આસો સુદ પડવો (પ્રતિપદા તિથિ) 10 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે 9:30 વાગ્યે પૂર્ણ થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું વિશેષ મહત્વ હોવાથી, શારદીય નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબર 2026, રવિવારના રોજથી થશે. આ જ દિવસે ઘટસ્થાપના (કળશ સ્થાપન) કરવામાં આવશે.
દશેરા (વિજયાદશમી): વર્ષ 2026 માં 20 ઓક્ટોબર, મંગળવારના રોજ દશેરા ઉજવવામાં આવશે. ભગવાન શ્રીરામે અહંકારી રાવણ પર મેળવેલા વિજયની યાદમાં અને અનિષ્ટ પર ધર્મના પ્રતીક રૂપે આ પર્વ મનાવાય છે. આ દિવસે દેશભરમાં રાવણ દહન, રામલીલા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
શરદ પૂર્ણિમા: વર્ષ 2026 માં શરદ પૂર્ણિમા 25 ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવાશે. આ પર્વ શરદ ઋતુના આગમનનું પ્રતીક છે. આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશિત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાંથી અમૃત વરસે છે. આથી જ ખુલ્લા આકાશ નીચે ખીર રાખીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની પરંપરા છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે.
કરવા ચોથ: સુહાગન મહિલાઓ માટેનું આ અત્યંત મહત્વપૂર્ણ વ્રત 29 ઓક્ટોબર, ગુરુવારના રોજ આવશે. મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ, સુખ અને સમૃદ્ધિ માટે આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે. રાત્રે ચંદ્રદર્શન અને પૂજા કર્યા બાદ જ વ્રત પૂર્ણ કરવામાં આવે છે.
ઓક્ટોબર 2026 વ્રત-તહેવારોની સંપૂર્ણ યાદી
- 3 ઓક્ટોબર 2026, શનિવાર: કાલાષ્ટમી, માસિક કૃષ્ણ જન્માષ્ટમી (ભાદરવો, વદ આઠમ)
- 6 ઓક્ટોબર 2026, મંગળવાર: ઈન્દિરા એકાદશી (ભાદરવો, વદ અગિયારશ)
- 10 ઓક્ટોબર 2026, શનિવાર: સર્વપિતૃ અમાસ (ભાદરવો, વદ અમાસ)
- 11 ઓક્ટોબર 2026, રવિવાર: નવરાત્રિ પ્રારંભ, ઘટસ્થાપના (આસો, સુદ પડવો)
- 12 ઓક્ટોબર 2026, સોમવાર: ચન્દ્ર દર્શન (આસો, સુદ પડવો)
- 14 ઓક્ટોબર 2026, બુધવાર: કપર્દિશ ચોથ (આસો, સુદ ચોથ)
- 16 ઓક્ટોબર 2026, શુક્રવાર: સરસ્વતી આવાહન (આસો, મૂલ નક્ષત્ર)
- 17 ઓક્ટોબર 2026, શનિવાર: સરસ્વતી પૂજા (આસો, પૂર્વાષાઢા નક્ષત્ર)
- 18 ઓક્ટોબર 2026, રવિવાર: સરસ્વતી બલિદાન (આસો, ઉત્તરાષાઢા નક્ષત્ર)
- 19 ઓક્ટોબર 2026, સોમવાર: દુર્ગા અષ્ટમી, મહા નવમી, સરસ્વતી વિસર્જન, માસિક દુર્ગાષ્ટમી (આસો, સુદ આઠમ અને નોમ)
- 20 ઓક્ટોબર 2026, મંગળવાર: વિજયાદશમી, દશેરા (આસો, સુદ દશમ)
- 22 ઓક્ટોબર 2026, ગુરુવાર: પાશાંકુશા એકાદશી (આસો, સુદ અગિયારશ)
- 25 ઓક્ટોબર 2026, રવિવાર: કોજાગરી પૂજા, શરદ પૂનમ (આસો, સુદ પૂનમ)
- 29 ઓક્ટોબર 2026, ગુરુવાર: કરવા ચૌથ, વક્રતુંડ સંકષ્ટ ચોથ (આસો, વદ ચોથ)
