Crude Oil Politics:અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના ઘર્ષણ(America Venezuela Conflict)ને લીધે ક્રુડ ઓઈલ પણ ચર્ચામાં છે. વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે અને તે પ્રતી બેરલ 60 ડોલર આસપાસ છે વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો ક્રુડ ઓઈલનો ભંડાર છે.
આ બાબતને ધ્યાનમાં રાખી વિશ્વ સમુદાય ચિંતિત છે કે અમેરિકાએ વેનેઝુએલા પર જે હુમલો કર્યો છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત પર શું અસર થઈ શકે છે.
અમેરિકાના પ્રતિબંધોને કારણે વેનેઝુએલાની ક્રુડ ઓઈલની નિકાસમાં ઘટાડો થયો હોવાથી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં નીચા છે. વધુમાં શનિવારના અહેવાલો પ્રમાણે વેનેઝુએલાના મુખ્ય ફેસિલિટીઝ ઓઈલ રિફાઈનિંગ સામાન્ય હતી.
દરમિયાન વેનેઝુએલા સરકાર હસ્તકની ઓઈલ ઉત્પાદન અને રિફાઈનિંગ કામગીરી સામાન્ય હતું અને દેશના રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવા માટે અમેરિકાના હુમલાથી તેને કોઈ નુકસાન થયું ન હતું તેમ રોઇટર્સના એક અહેવાલમાં જણાવાયું હતું.
વેનેઝુએલા પર અમેરિકાના હુમલાથી ભારતને કેટલું નુકસાન થશે?
ચીન વેનેઝુએલાના ક્રુડ ઓઈલનો સૌથી મોટો આયાતકાર છે. તાજેતરના રાજકીય વિકાસને ભારતીય દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. છેલ્લા એક વર્ષમાં ભારતની ક્રુડ ઓઈલની આયાતમાં ઝડપથી વધારો થયો છે.
વેનેઝુએલા સાથે ભારતના વેપાર સંબંધો મોટાભાગે ક્રુડ ઓઈલની આયાત પર આધારિત છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે વર્ષ 2021 અને વર્ષ 2022માં વેનેઝુએલાથી ભારતની ક્રુડ ઓઈલની આયાત લગભગ શૂન્ય થઈ ગઈ હતી. નાણાકીય વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં વેનેઝુએલાથી ભારતની કુલ આયાત અનુક્રમે 89 મિલિયન ડોલર અને 250 મિલિયન ડોલર જેટલી નજીવી હતી.
જોકે વર્ષ 2023-24 સુધીમાં ભારત-વેનેઝુએલા ઓઈલ વેપારમાં સુધારો થયો હતો, પેટ્રોલિયમ આયાત વધીને લગભગ 1 અબજ ડોલર થઈ ગઈ. ડિસેમ્બર 2023માં ભારત થોડા સમય માટે વેનેઝુએલાના ક્રુડ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર બન્યો હતો.
