Union Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જ્યારે પણ 'બજેટ' શબ્દ કાને પડે છે, ત્યારે સામાન્ય નાગરિકના મનમાં સૌથી પહેલો વિચાર એ જ આવે છે કે કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી? બજેટ દ્વારા સામાન્ય જનતા એ જાણવાનો પ્રયાસ કરે છે કે સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કઈ વસ્તુઓ પર ટેક્સ વધારીને ભાવવધારો કર્યો છે અને ક્યાં સબસિડી આપીને રાહત આપી છે.
પરંતુ, શું તમે જાણો છો કે વાસ્તવમાં બજેટનો શાબ્દિક અર્થ શું છે અને અર્થતંત્રમાં તેનું શું મહત્વ છે? આ આર્ટિકલમાં અમે તમને બજેટની વ્યાખ્યા અને તેની પ્રક્રિયાને સરળ શબ્દોમાં સમજાવી રહ્યા છે.
બજેટ શબ્દનો ઈતિહાસ અને અર્થ
'બજેટ' (Budget) શબ્દની ઉત્પત્તિ અંગ્રેજી શબ્દ 'Bowgette' પરથી થઈ છે, જે મૂળ ફ્રેન્ચ શબ્દ 'Bougette' માંથી ઉતરી આવ્યો છે. આ ઉપરાંત તેનો સંબંધ 'Bouge' શબ્દ સાથે પણ છે. આ તમામનો શાબ્દિક અર્થ 'ચામડાની થેલી' અથવા 'નાનું પર્સ' થાય છે. ઐતિહાસિક રીતે નાણાકીય દસ્તાવેજો ચામડાની બેગમાં લાવવામાં આવતા હોવાથી આ નામ પ્રચલિત બન્યું છે.
સરળ પરિભાષામાં કહીએ તો, બજેટ એ ચોક્કસ સમયગાળા માટે સરકારની આવક અને જાવક (ખર્ચ)નું સરવૈયું છે. બજેટમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવશે અને તે રૂપિયો ક્યાં વપરાશે. નાણામંત્રી પોતાના બજેટ ભાષણમાં દેશને જણાવે છે કે ગત, વર્તમાન અને આગામી નાણાકીય વર્ષમાં કયા સ્ત્રોતોમાંથી ભંડોળ એકત્ર કરવામાં આવશે અને તે કયા વિકાસ કાર્યોમાં ખર્ચવામાં આવશે.
સરકાર દર વર્ષે બજેટ શા માટે તૈયાર કરે છે?
કોઈપણ દેશની સરકાર મુખ્યત્વે બે ઉદ્દેશ્યો સાથે બજેટ તૈયાર કરે છે:
ખર્ચનો અંદાજ
આગામી નાણાકીય વર્ષ દરમિયાન દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે ઉદ્યોગ, ઉત્પાદન, શિક્ષણ, આરોગ્ય અને ટ્રાન્સપોર્ટેશનમાં થનારા વિકાસ કાર્યો પાછળ કેટલો ખર્ચ થશે, તેનો અંદાજ લગાવવામાં આવે છે.
ભંડોળની વ્યવસ્થા
અંદાજિત ખર્ચને પહોંચી વળવા માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરવી, તેનું આયોજન કરવામાં આવે છે. આ માટે સરકાર નવા ટેક્સ લાદવા, ટેક્સમાં વધારો કરવો અથવા અમુક માલ-સામાન પર રાહત આપીને કરવેરાનું માળખું નક્કી કરે છે.
