US Debt Hits Record: અમેરિકાનું દેવું 37.9 ટ્રિલિયન ડોલર થતા આર્થિક કટોકટી ગંભીર બનશે, દરરોજ 25 અબજ ડોલરનો બોજ વધી રહ્યો છે

અમેરિકાના કૂદકે અને ભૂસકે વધી રહેલા દેવાને લઈ અર્થશાસ્ત્રીઓ,નીતિનિર્ધારકો, અને દરેક અમેરિકી નાગરિકોમાં મોટો ચિંતાનો વિષય બન્યો છે.એક મહિનામાં દેવામાં 400 અબજ ડોલરનો ગંજાવર વધારો

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 19 Oct 2025 05:15 PM (IST)Updated: Sun 19 Oct 2025 05:15 PM (IST)
us-public-debt-hits-record-38-trillion-rising-25-billion-daily-as-fiscal-crisis-deepens-is-tariff-policy-enough-as-debt-to-gdp-climbs-623811
HIGHLIGHTS
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટ હેઠળ લાદવામાં આવેલા ટેરિફથી નોંધપાત્ર આવક થઈ
  • આગામી વર્ષ સુધીમાં કૂલ દેવું 40 ટ્રિલિયન ડોલરના લેવલ પર પહોંચી જશે.

US Debt Hits Record:યુનાઈટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું(United States national debt) 37.8 ટ્રિલિયન ડોલરના વિક્રમજનક સ્તરે પહોંચ્યું છે, અગાઉ અમેરિકાના ઈતિહાસમાં આટલું જંગી દેવું ક્યારેય જોવા મળ્યું નથી.

અમેરિકાના કૂદકે અને ભૂસકે વધી રહેલા દેવાને લઈ અર્થશાસ્ત્રીઓ,નીતિનિર્ધારકો અને દરેક અમેરિકી નાગરિકોમાં મોટો ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા એક મહિનામાં દેવામાં 400 અબજ ડોલરનો ગંજાવર વધારો થયો છે, જેનો અર્થ એવો થાય છે કે દદરોદ અમેરિકા પર આશરે 25 અબજ ડોલરનો વધારો થઈ રહ્યો છે.

રાજકોષિય પડકારો વધ્યાં
આ સ્થિતિમાં હવે US સામે રાજકોષિય પડકારોમાં વધારો થઈ રહ્યો છે. વીતેલા જુલાઈ મહિનામાં જ્યારે ડેટ સેલિંગ(debt ceiling) એટલે કે દેવાની મર્યાદા નક્કી કરવામાં આવેલી તેનાથી પણ આગળ ફેડરલ ડેટ(federal debt) 1.7 ટ્રિલિયન ડોલર વધ્યું છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકા તેના ખર્ચાઓને પૂરવા માટે સતત જંગી પ્રમાણમાં દેવાનો બોજ પોતાના માથે ખડકી રહ્યું છે. હવે નિષ્ણાતોએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જો અમેરિકા પર સતત આટલી ઝડપથી દેવું વધતુ રહેશે તો આગામી વર્ષ સુધીમાં તો કૂલ દેવું 40 ટ્રિલિયન ડોલરના લેવલ પર પહોંચી જશે.

વ્યાજ ચૂકવણીનો બોજ પણ વધ્યો

વધતા દેવાની સાથે સાથે દેવા પરના વ્યાજની ચુકવણી પણ એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે. US સરકાર અત્યારે દેવા પરના વ્યાજ પેટે વાર્ષિક ધોરણે 1.2 ટ્રિલિયન ડોલર કરતાં વધારે ખર્ચ કરી રહી છે, જે અમેરિકાના સંરક્ષણ સેક્ટર પાછળ કરવામાં આવતા ખર્ચ કરતાં પણ વધારે છે. આ સંજોગોમાં હેલ્થકેર, એજ્યુકેશન, તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા આવશ્યક પ્રોગ્રામો માટે હવે ઓછો અવકાશ બચ્યો છે.

જો ડેટ-ટુ-જીડીપી (Debt To GDP) રેશિયોની દ્રષ્ટિએ વાત કરીએ તો તે વધીને 124 ટકા પહોંચ્યો છે, તેનો સીધો અર્થ થાય છે કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદન કરતાં વધારે જવાબદારીઓનું સર્જન થઈ રહ્યું છે. આ પ્રમાણે વર્ષ 2021 બાદ સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે અને અગાઉ જે રેકોર્ડ સર્જાયો હતો તેનાથી હવે બિલકુલ નજીક ગંભીર સ્વરૂપમાં નજીક પહોંચવા જઈ રહેલ છે.

અમેરિકા કેમ દેવામાં ડૂબી રહ્યું છે
અમેરિકા પર આટલા જંગી પ્રમાણમાં દેવાનું સર્જન કેમ થઈ રહ્યું છે તે અંગે વાત કરીએ તો અમેરિકામાં ઘણાબધા એવા સેક્ટર છે જે અમેરિકાને દેવામાં ડૂબાડી રહ્યું છે. જેમ કે બજેટ ખાધ, સોશિયલ સિક્યુરિટી અને મેડિકેર પાછળ જંગી ખર્ચ, તથા કરવેરા સંબંધિત પોલિસી કે જે ફેડરલ રેવન્યૂમાં ઘટાડા તરફ દોરી જઈ રહ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં રાજકિય મોરચે જે વિસંગતતા કે જટિલતા છે તે પણ લાંબા ગાળા માટે સ્થિતિના ઉકેલને વધારે મુશ્કેલ બનાવી દીધી છે.

ટેરિફથી થયો ફાયદો પણ તે અપૂરતો

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટ હેઠળ લાદવામાં આવેલા ટેરિફથી નોંધપાત્ર આવક થઈ છે - વર્ષ-દર-વર્ષે કસ્ટમ ડ્યુટીમાં 273% વધારો થયો છે અને એક જ મહિનામાં આશરે $21 બિલિયન લાવ્યા છે - આ અણધાર્યો ફાયદો ઝડપથી વધતી ફેડરલ ખાધને સરભર કરવા માટે પૂરતો નથી.

અમેરિકા દ્વારા તાજેતરમાં ટેરિફને લઈ જે આકરા પગલાં ભરવામાં આવ્યા છે તેને લીધે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને ટેરિફ પેટે નોંધપાત્ર પ્રમાણમાં આવક થઈ છે. વાર્ષિક ધોરણે કસ્ટમ ડ્યુટીમાં 273 ટકાનો વધારો થયો છે, એક અંદાજ પ્રમાણે આશરે 21 બિલિયન ડોલરની એક મહિનામાં વિન્ડફોલની સ્થિતિ જોવા મળી છે, જોકે ફેડરલ ડેફિસિટની વધતી સ્થિતિ સામે તે અપર્યાપ્ત છે.