Turkey Sell Gold: વિશ્વ બજારોમાં સોનાની કિંમતોને લઈ એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. જેણે રોકાણકારો તથા અર્થશાસ્ત્રીઓને પણ ચોંકાવી દીધા છે. આર્થિક પડકારોનો સામનો કરી રહેલા તુર્કીએ હવ વિશ્વના સૌથી મોટા સોનાના વેચાણકર્તા તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લા 14 દિવસમાં તુર્કીની મધ્યસ્થ બેન્કે આશરે 58 ટન સોનાનું તાબડતોબ વેચાણ કર્યું છે.
તેની કૂલ કિંમત આશરે 8 અબજ ડોલરથી વધારે હોવાનું માનવામાં આવે છે. આ જંગી વેચવાલીની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રશિયાએ પણ છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત 14 ટન સોનાનું વેચાણ ક્યું હતું.
અહેલાસ પ્રમાણે 13 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 6 ટન અને 20 માર્ચ સુધીના સપ્તાહમાં 52.4 ટન સોનાનું વેચાણ કરવામાં આવ્યું છે. આ જંગી વેચવાલીને પગલે તુર્કીનો સોનાનો ભંડાર ઘટીને આશરે 513 ટન થઈ ગયો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધારે ઘટાડો દર્શાવે છે.
મળતી માહિતી પ્રમાણે વેચવામાં આવેલા સોના પૈકી અડધો અડધ હિસ્સો ફોરેન સ્વેપ ડિલ મારફતે US ડોલરની બાકી ચુકવણી માટે કરવામાં આવી છે. જ્યારે બાકીના સોનાનું ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવ્યું છે. આ સાથે આ વેચાણ એટલું મોટું હતું કે તે ગોલ્ડ સમર્થિત ETFમાંથી થયેલા 43 ટન સોના કરવા પણ વધારે છે.
નિષ્ણાતોના મતે તુર્કીની નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા અને વધતા ફુગાવાને ધ્યાનમાં રાખી આ પગલું અત્યંત મહત્વનું છે.તુર્કીનું ચલણ લીરા ભારે દબાણ હેઠળ છે, જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઊર્જાની આયાત વધુ મોંઘી થઈ છે અને ડોલરની માંગમાં તીવ્ર વધારો થયો છે. પરિણામે ચલણને સ્થિર કરવા અને બજારમાં તરલતા જાળવવા માટે કેન્દ્રીય બેંકને તેના સોનાના ભંડારનો આશરો લેવો પડ્યો છે. અહેવાલો અનુસાર તુર્કીનો વિદેશી વિનિમય ભંડાર પણ ઘટીને લગભગ $175 બિલિયન થઈ ગયો છે, જે તાજેતરમાં સૌથી નીચો છે.
આ મોટા પગલાની અસર વૈશ્વિક બુલિયન બજાર પર પણ પડી છે. બજારમાં સોનાનો પુરવઠો વધવાને કારણે ભાવમાં ઘટાડો થયો હતો. લંડન સ્પોટ માર્કેટમાં સોનાના ભાવ એક સમયે 3.1 ટકા ઘટ્યા હતા અને અંતે 2.4 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
વિશ્લેષકો માને છે કે જો ઉર્જા કટોકટી અને આર્થિક દબાણ ચાલુ રહેશે તો તુર્કી પણ આવા જ પગલાં લઈ શકે છે. તેથી રોકાણકારો અને ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય બજારના વલણો પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, કારણ કે આ વૈશ્વિક ઘટનાઓ સ્થાનિક બજારમાં સોનાના ભાવને પણ અસર કરે છે.
