Forbes 2023 Billionaires List: ફોર્બ્સે વર્ષ 2023 માટે તેના વાર્ષિક વર્લ્ડ બિલિયોનર્સની યાદી જાહેર કરી છે, આ યાદીમાં અબજપતિ ભારતીયોની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી છે. ફોર્બ્સની યાદી પ્રમાણે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી સમૃદ્ધ અબજપતિ છે.
આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે અગ્રણી ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાએ ફોર્બ્સની યાદીમાં ફરી વખત સ્થાન મેળવ્યું છે અને તેઓ સૌથી ઉંમરલાયક ભારતીય અબજપતિ છે. 99 વર્ષના કેશબ મહિન્દ્રા 1.2 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમેરિટસ ચેરમેન
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમેરિટસ ચેરમેન કેશબ મહિન્દ્રાએ પેન્સિલવેનિયા યુનિવર્સિટી, અમેરિકાથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1947માં કંપની સાથે જોડાયા બાદ વર્ષ 1963માં તેઓ ચેરમેન બન્યા હતા.
મહિન્દ્રાની વેબસાઈટ પ્રમાણે કેન્દ્રીય ઉદ્યોગ સલાહકાર પરિષદ સહિત અનેક સમિતિઓમાં કામગીરી માટે કેશબ મહિન્દ્રાની નિમણૂંક કરવામાં આવી હતી. વર્ષ 2004થી 2010 દરમિયાન તેઓ પ્રધાનમંત્રીના વ્યાપાર તથા ઉદ્યોગ પરિષદ, નવી દિલ્હીના સભ્ય હતા. તેમણે સેઈલ, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ, IFC તથા ICICI સહિત અનેક અલગ-અલગ કંપનીઓના બોર્ડ તથા કાઉન્સિલમાં પણ કામ કર્યું છે.
ત્રણ ભારતીય મહિલા
ફોર્બ્સની 2023ની ભારતીય અબજપતિઓની યાદીમાં ત્રણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓમાં 59 વર્ષિય રેખા ઝુનઝુનવાલાનો પણ સમાવેશ થાય છે. તેઓ 5.1 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા હતા.
આ ઉપરાંત પલોનજી મિસ્ત્રીના પત્ની રોહિકા સાઈરસ મિસ્ત્રીને સ્થાન મળ્યું છે, તેઓ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના પત્ની છે. ફોર્બ્સની યાદીમાં સરોજ રાણી ગુપ્તા 1.2 અબજ ડોલર સંપત્તિ સાથે સેલ્ફમેડ અબજપતિ છે. તેઓ 72 વર્ષના એસકે ગુપ્તા સાથે APL અપોલો ટ્યુબ્સના સહ-સ્થાપક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી સમૃદ્ધ મહિલા તરીકે ઓપી જીંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલ (73) છે. તેઓ 17 અબજ ડોલરની જંગી સંપત્તિ ધરાવે છે.
