Tata Group Crisis: TATA ગ્રુપનું સંકટ ઘેરુ બન્યું, દેવામાં ડૂબેલા શાપૂરજી પલોનજી ગ્રુપનો ખુલ્લો પડકાર, કહ્યું-ટાટા સન્સનું લિસ્ટીંગ જરૂરી

બીજી તરફ દેવા હેઠળ દબાયેલા શાપૂરજી પલોનજી (SP) ગ્રુપ કે જે ટાટા સન્સમાં લગભગ 18% હિસ્સો ધરાવે છે તેમણે કહ્યું છે કે ટાટા સન્સનું લિસ્ટિંગ જરૂરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 10 Oct 2025 10:52 PM (IST)Updated: Fri, 10 Oct 2025 10:52 PM (IST)
tata-group-crisis-tata-group-shapoorji-pallonji-mistry-group-reiterates-call-for-tata-sons-public-listing

Tata Group Crisis: ટાટા ગ્રુપ હાલમાં કટોકટીનો સામનો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા સન્સને લિસ્ટેડ ન કરાવવા માટે ટાટા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને કહ્યું હતું કે તેને કોઈપણ કિંમતે લિસ્ટિંગથી બચાવવું પડશે.

બીજી તરફ દેવા હેઠળ દબાયેલા શાપૂરજી પલોનજી (SP) ગ્રુપ કે જે ટાટા સન્સમાં લગભગ 18% હિસ્સો ધરાવે છે તેમણે કહ્યું છે કે ટાટા સન્સનું લિસ્ટિંગ જરૂરી છે. ટાટા ટ્રસ્ટમાં ચાલી રહેલા ઝઘડા વચ્ચે શાપૂરજી પલોનજી ગ્રુપે શુક્રવારે ટાટા ગ્રુપની પેરેન્ટ કંપની ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.

ટાટા સન્સમાં લગભગ 18% હિસ્સો ધરાવતા એસપી ગ્રુપે જણાવ્યું હતું કે લિસ્ટીંગ એ માત્ર નાણાકીય નિર્ણય નથી પરંતુ એક "નૈતિક અને સામાજિક આવશ્યકતા" છે જે લિસ્ટેડ ટાટા કંપનીઓના 1.2 કરોડથી વધુ શેરધારકો માટે મૂલ્યને અનલોક કરશે, જેઓ ટાટા સન્સના પરોક્ષ શેરધારકો છે.

શાપૂરજી પલોનજી ગ્રુપના ચેરમેન શાપૂરજી પલોનજી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પારદર્શિતા એ વારસો અને ભવિષ્ય બંને માટે આદરનું સૌથી સાચું સ્વરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે લિસ્ટેડ ટાટા સન્સ એક મજબૂત અને સમાન ડિવિડન્ડ નીતિ સુનિશ્ચિત કરશે જે ભારતની સૌથી મોટી જાહેર ચેરિટી, ટાટા ટ્રસ્ટ્સને લાભ થશે.

મિસ્ત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટાટા ગ્રુપ કંપનીઓને નિયંત્રિત કરતા ટ્રસ્ટના વિવિધ ટ્રસ્ટીઓ વિવાદમાં ફસાયેલા છે. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ટાટા સન્સને 30 સપ્ટેમ્બર,2025 સુધીમાં ઉચ્ચ સ્તરના વર્ગીકરણમાં સૂચિબદ્ધ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. તેમણે આ નિર્દેશને ગંભીરતાથી અને નિયમનકારી પ્રતિબદ્ધતાઓ પ્રત્યે આદર સાથે જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મિસ્ત્રીના મતે RBIનું બેન્ચમાર્ક-આધારિત નિયમનકારી માળખું સ્પષ્ટ કરે છે કે નોન-બેંકિંગ નાણાકીય કંપની (NBFC)એ તેના રોકાણકારોના હિતોને નુકસાન પહોંચાડે તેવી રીતે કાર્ય ન કરવું જોઈએ. મિસ્ત્રીએ કહ્યું કે RBI એક બંધારણીય અને સ્વાયત્ત સંસ્થા છે અને તે સમાનતા, ન્યાય અને જાહેર હિતના સિદ્ધાંતોના આધારે નિર્ણયો લેશે.