Surat | Aether Industries Limited: સુરતના સચિન GIDC ખાતે આવેલી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE: 543534, NSE: AETHER) દ્વારા આજરોજ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર એટલે કે Q1 FY26ના નાણાકીય પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, કે જે કંપનીની નવીનતા અને ટકાઉપણાના વિઝન સાથેની આગેકૂચને પ્રતિબિંબિત કરે છે.
એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પોતાના ઓપરેશન્સમાંથી 259 કરોડ રૂપિયાની આવક હાંસલ કરી છે કે જે Q1 FY25ની 192 કરોડ રૂપિયાની આવકની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 72 કરોડ રૂપિયા (EBITDA માર્જિન 30%) રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ 94% વધારે છે. આ પરિણામો કંપનીની વ્યૂહાત્મક પહેલ અને બજારમાં મજબૂત સ્થિતિનું પ્રમાણ છે.
આ ક્વાર્ટરમાં, એથર ઈન્ડસ્ટ્રીઝે પોતાના કોન્ટ્રાક્ટ એક્સલ્યુઝિવ મેન્યુફેક્ચરિંગ (CEM) અને કોન્ટ્રાક્ટ રીસર્ચ અને મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (CRAMs) રેવન્યુ મોડલ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાથે જ ખર્ચ નિયંત્રણ અને ઉત્પાદન કાર્યક્ષમતા વધવાથી PAT (પ્રોફિટ આફ્ટર ટેક્સ) 47 કરોડ (PAT માર્જિન 18%) નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર Q1 FY25 ની સરખામણીમાં 57% વધારે છે. કંપનીનો આ ફાઇનાન્સિયલ ગ્રોથ ટકાઉ વૃદ્ધિ તરફની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવકમાં CEMનો ફાળો 37 %, CRAMs નો ફાળો 10 % રહ્યો છે અને આવકનો બાકીનો હિસ્સો લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ મોડલ મારફતે આવ્યો છે.
ભવિષ્યની યોજનાઓ અંતર્ગત એથર ઇન્ડસ્ટ્રીઝે સુરત-અમદાવાદ હાઇવે પર પાનોલીમાં નવી સાઇટ (સાઇટ-5)ના નિર્માણનું કામ હાથ ધર્યું છે. આ સાઇટ પરના ફેઝ-1 ના બે બ્લોક વર્ષ 2025ના અંત સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થાય તેવી સંભવના છે. આ ઉપરાંત આ સાઇટને વધુ મોટી અને કાર્યક્ષમ બનાવવા માટે સાઇટમાં વધારાનું લેન્ડ પાર્સલ પણ ઉમેરવામાં આવ્યું છે, જેથી આ સાઇટનો કુલ પ્રોજેક્ટ એરિયા 46 એકર થયો છે. જે કંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપાન્શનમાં નોંધપાત્ર ભાગ ભજવશે.
એથર ઈન્ડસ્ટ્રીઝે સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટરમાં પોતાના ઈનોવેશનને વધુ વિસ્તૃત કરવા માટે કેટલાક નોંધપાત્ર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. એથર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મિલિકેન કેમિકલ એન્ડ ટેક્સટાઇલ (ઇન્ડિયા) કંપની પ્રાઇવેટ લિમિટેડ કે જે યુએસએમાં મુખ્ય મથક ધરાવતી મિલિકેન એન્ડ કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, તેની સાથે જૂન 2025માં 10 વર્ષનો લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરાર કરવામાં આવ્યો છે, જે કંપનીની ક્ષમતાનો ઉપયોગ વધારવા અને આવકની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ કરારની સફળતા એથર ઈન્ડસ્ટ્રીઝની મજબૂત R&D અને વિશિષ્ટ ઉત્પાદન ક્ષમતાઓની સાબિતી છે.
મિલિકેન સાથે કરવામાં આવેલા કરાર બાદ એથર દ્વારા સાઇટ-3નું એક્સપાન્શન પણ હાથ ધરવામાં આવ્યું છે. સાઇટ 3+ માટે હાલ સાધનો અને ઉપકરણોની ખરીદી ચાલુ છે, સાથે સાથે સરકારી પરવાનગીઓ પણ મળી ગઈ છે. આથી આશા છે કે, કોન્ટ્રાક્ટ એક્સબ્લ્યુઝિવ મેન્યુફેક્ચરિંગ મોડલ હેઠળ મિલિકેન ઈન્ડિયાની સ્ટ્રેટેજિક પ્રોડક્ટનું ઉત્પાદન આ નાણાકીય વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકશે.
એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર ઓફ કોમર્શિયલ, રોહન દેસાઈએ જણાવ્યું કે, Q1 FY26ના પરિણામો અમારા ઇનોવેશન, કંપનીના સસ્ટેનેબિલિટી તરફના વિઝન અને વૈશ્વિક સ્તર પર કંપનીની આગવી ઓળખ પ્રાપ્ત કરવાના લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે. મિલિકેન ઈન્ડિયા જેવા જાયન્ટ્સ સાથે કરવામાં આવેલા કોન્ટ્રાક્ટ કંપનીના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે.
