₹2,000થી વધુ UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, જાણો ગ્રાહકો પર શું થશે અસર

₹2,000થી વધુના ચોક્કસ UPI P2M ટ્રાન્ઝેક્શન પર 0.4% MDRના નિયમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. જાણો નવા UPI ચાર્જનો નિયમ કોને લાગુ પડશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 28 Sep 2026 03:21 PM (IST)Updated: Mon, 28 Sep 2026 03:21 PM (IST)
supreme-court-on-upi-charges-no-stay-on-mdr-for-payments-above-rs-2000

Supreme Court on UPI Charges: UPI પેમેન્ટને લઈને કેન્દ્ર સરકારના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે. ₹2,000થી વધુના ચોક્કસ Person-to-Merchant (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર Merchant Discount Rate (MDR) લાગુ કરવાના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે હાલ રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. જોકે, કોર્ટે કેન્દ્ર સરકાર, RBI અને NPCI પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. નવા નિયમનો અમલ 15 ઓક્ટોબર 2026થી થવાનો છે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર શું છે નવો નિયમ?

કેન્દ્ર સરકારના નવા UPI ફ્રેમવર્ક હેઠળ 15 ઓક્ટોબર 2026થી ચોક્કસ Person-to-Merchant એટલે કે ગ્રાહક દ્વારા વેપારીને કરવામાં આવતા ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% MDR લાગુ થશે. આ ચાર્જ મહત્તમ ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત રહેશે. એટલે કે ₹10,000ના પેમેન્ટ પર MDR ₹40 થઈ શકે છે, જ્યારે ₹75,000 કે તેનાથી વધુના ટ્રાન્ઝેક્શન પર મહત્તમ ₹300 MDR લાગુ થશે.

અહીં ખાસ સમજવાની બાબત એ છે કે MDR ગ્રાહક પાસેથી વસૂલવાની UPI ફી નથી. સરકારના જણાવ્યા પ્રમાણે આ ચાર્જ મર્ચન્ટ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં લાગુ થશે અને બેન્ક, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર તથા UPI એપ્લિકેશન પ્રોવાઇડર જેવા ભાગીદારો વચ્ચે વહેંચાશે. બેન્કોને મર્ચન્ટ પર લાગતો MDR ગ્રાહકો પર ન નાખવાની સલાહ આપવામાં આવી છે.

સામાન્ય UPI યુઝર્સ માટે શું બદલાશે?

જો તમે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને એટલે કે Person-to-Person (P2P) UPI ટ્રાન્સફર કરો છો, તો આ નવા MDRની અસર નહીં થાય. રકમ ₹2,000થી વધુ હોય તો પણ P2P ટ્રાન્ઝેક્શન મફત રહેશે. ₹2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ પણ નવા MDRમાંથી બહાર રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આશરે 96% P2M ટ્રાન્ઝેક્શન પર આ નવા નિયમની અસર નહીં પડે.

કેટલાક જરૂરી અને ઓછા નફાવાળા ક્ષેત્રો માટે અલગ માળખું રાખવામાં આવ્યું છે. રેલવે, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ, ઇંધણ અને કૃષિ ઇનપુટ્સ જેવા ક્ષેત્રોમાં ₹2,000થી વધુના પેમેન્ટ પર 0.4%ના બદલે ₹5નો ફ્લેટ MDR નક્કી કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2026ના રોજ નવા MDR નિયમને પડકારતી અરજી પર કેન્દ્ર સરકાર, RBI અને NPCIને નોટિસ પાઠવી છે. જોકે, કોર્ટે 15 ઓક્ટોબરથી થનારા અમલ પર હાલ રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે આ મામલાને કાયદાકીય કરતાં વધુ ટેકનિકલ મુદ્દો ગણાવીને સંબંધિત પક્ષોને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે.

અટલે હાલની સ્થિતિમાં 15 ઓક્ટોબરથી નવો MDR ફ્રેમવર્ક અમલમાં આવવાનો માર્ગ ખુલ્લો છે. જોકે, સુપ્રીમ કોર્ટમાં આ નિયમને પડકારતી અરજી પર આગળની સુનાવણીમાં શું નિર્ણય આવે છે તેના પર સમગ્ર મામલો નિર્ભર રહેશે.