SS Retail Limited IPO: SS રિટેલ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું આગામી 16 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે અને 18 શુક્રવારના રોજ બંધ થશે. અલબત એન્કર ઈન્વેસ્ટર માટે 15મી સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે ખુલ્લુ રહેશે. રોકાણકારો ઓછામાં ઓછા 35 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 35 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
એમ્પ્લોઇ રિઝર્વેશન હિસ્સા હેઠળ અરજી કરવા માટે યોગ્યતા ધરાવતા કર્મચારીઓ ઓફર પ્રાઇઝ કરતાં પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 25ના ડિસ્કાઉન્ટ પર અરજી કરી શકશે. કંપનીએ રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે રૂપિયા 403થી રૂપિયા 424 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે.
SS રિટેલ લિમિટેડ રિટેલ મોબાઇલ ફોન, એસેસરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટેની મલ્ટી-બ્રાન્ડ રિટેલ ચેઇન છે. કંપની હાલમાં 5 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા અને ગુજરાતનો સમાવેશ થાય છે (નાણાંકીય વર્ષ 2027માં કામગીરી શરૂ કરી હતી).
એસએસ રિટેલ મેટ્રો શહેરો, મિની મેટ્રો શહેરો, ટિયર-1 શહેરો, ટિયર-2 શહેરો તથા ટિયર-3 અને તેનાથી આગળના શહેરો સહિત વિવિધ પ્રકારનાં શહેરોમાં અનેક પ્રોડક્ટ કેટેગરીમાં વેપાર કરે છે. જોકે, કંપનીનું મુખ્ય ધ્યાન ટિયર-2 અને ટિયર-3 તથા તેનાથી આગળના શહેરોમાં મોબાઇલ ફોન અને એસેસરીઝના રિટેલ વેચાણ પર રહ્યું છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપની ભારતમાં 503 સ્ટોર ચલાવતી હતી, જેમાંથી 458 સ્ટોર મહારાષ્ટ્રમાં હતા. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, આ સંખ્યાને કારણે કંપની પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં તેમજ મહારાષ્ટ્રમાં સૌથી મોટી મોબાઇલ ફોન રિટેલ ચેઇન તરીકે સ્થાન ધરાવે છે અને તેના સમકક્ષ સ્પર્ધકોમાં ભારતમાં ત્રીજા ક્રમે સૌથી મોટી મોબાઇલ રિટેલ ચેઇન છે.
ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે એનએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.
