Mock Trading:સામાન્ય રીતે શનિવારે ભારતીય શેરબજારમાં કામકાજ બંધ રહેતું હોય છે પણ આજે એટલે કે 14 નવેમ્બર 2026ના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) ખાતે મોક ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવશે. એટલે કે એક્સચેન્જો ખાતે ટ્રેડિંગ સિસ્ટમ, ઓર્ડર સંબંધિત પ્રોસેસિંગ અને ટેકનિકલ સુવિધાઓની તપાસ કરવામાં આવશે.
અલબત રોકાણકારોએ એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી બનશે કે શેરબજારમાં સામાન્ય દિવસની જેમ શેરોની ખરીદી-વેચાણ કરવામાં આવશે નહીં. મોક ટ્રેડિંગ એક એવા પ્રકારનો ટેસ્ટ સેશન છે કે જેમાં એક્સચેન્જ તથા બ્રોકર તેમની સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરે છે, જેથી કરીને શેરબજારમાં સામાન્ય દિવસોમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો ન પડે.
NSE અને BSE ખાતે શનિવારે 14 નવેમ્બરના રોજ સવારે 8:45 વાગે બ્લોક ડિલ વિન્ડો રહેશે. અત્યારબાદ વિવિધ તબક્કામાં ટ્રેડિંગ સિસ્ટમની યોગ્ય તપાસ કરવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)એ તેના કેપિટલ માર્કેટ પરિપત્રમાં આપેલી માહિતી પ્રમાણે આ મોક ટ્રેડિંગ ઈક્વિટી, ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ, કરન્સી ડેરિવેટીવ્સ અને કોમોડિટી ડેરિવેટીવ્સ સહિત વિવિધ સેગમેન્ટમાં થશે. વિવિધ સેગમેન્ટ માટે આ અંગે અલગ-અલગ પરિપત્ર રજૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો
દરમિયાન ગઈકાલે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ભારે મંદી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 318 પોઇન્ટ તૂટ્યો હતો ત્યારે નિફ્ટી 155 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. વિશ્વ બજારોમાંથી મળેલા સંકેત વચ્ચે સ્થાનિક બજારોમાં ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળતું હતું. શુક્રવારે વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી પણ વ્યાપક પ્રમાણમાં વેચવાલી કરવામાં આવી હતી. અમરિકામાં ફરી વખત વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા વચ્ચે શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ યુએસ બોન્ડની ઈલ્ડ ફરી વખત 5 ટકાને પાર થઈ જતા વિદેશી ફંડો અમેરિકાના બોન્ડ તરફ વળી રહ્યા હોવાથી વિકાસશીલ દેશોમાંથી તેમનું ફંડ પાછું ખેંચી રહ્યા છે.
