Manipal Payment IPO:મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડે (MPISL) તેના IPOની વિગતો જાહેર કરી છે. IPO માટેની બિડીંગ પ્રક્રિયા 9 સપ્ટેમ્બર, 2026ના રોજ શરૂ થશે અને શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ 8 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 322થી રૂપિયા 339 નક્કી કરવામાં આવ્યો છે.
બિડ ઓછામાં ઓછા 44 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 44 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂપિયા 320 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર મણિપાલ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા 1,43,06,785 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
MPISL વિશ્વભરની બેંકો, ફિનટેક કંપનીઓ, NBFC અને સરકારોને પેમેન્ટ સોલ્યુશન્સ, આઇડેન્ટિફિકેશન સોલ્યુશન્સ, સુરક્ષિત સોલ્યુશન્સ તેમજ સ્માર્ટ ટેગિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સોલ્યુશન્સ પૂરા પાડે છે.નાણાંકીય વર્ષ 2026માં કંપનીનો ભારતના ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં આશરે 36.4 ટકા અને ડેબિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં 30.9 ટકા હિસ્સો હતો. આ સાથે કંપની વિશ્વમાં તેમજ ભારતમાં પેમેન્ટ કાર્ડના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત કંપની ભારતની સૌથી મોટી નેશનલ આઇડેન્ટિટી કાર્ડ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને તેણે 12 પ્રાદેશિક ભાષામાં 1 અબજથી વધુ કાર્ડનું બિલિંગ કર્યું છે. નાણાંકીય વર્ષ 2026માં MPISL ભારતભરમાં આવેલી 10 સુવિધાઓ મારફતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં 300થી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી હતી.
ઇશ્યૂના ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઇશ્યૂ માટે BSE લિમિટેડ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.
