Ola Electric IPO: ભારતીય શેરબજારમાં અનેક દિગ્ગજ કંપનીઓ તેમના પ્રારંભિક જાહેર ભરણા (IPO)માં રજૂ કરવા જઈ રહી છે. મૂડી બજારની નિયમકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ હવે ટુ વ્હિલર ક્ષેત્રની અગ્રણી ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric) તથા એમક્યુ ફાર્માસ્યુટીકલ્સ (Emcure Pharmaceuticals)ના પ્રારંભિક જાહેર ભરણા (IPO)ને મંજૂરી આપી દીધી છે. આ બન્ને કંપનીઓ તેમના ભરણા માટે ડિસેમ્બર મહિનામાં IPO માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કર્યાં હતા.
ઓલા ઈલેક્ટ્રિકનું જાહેર ભરણું (Ola Electric IPO)
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)માં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓલા ઈલેક્ટ્રિક તેના જાહેર ભરણા મારફતે રૂપિયા 5,500 કરોડ સુધીનું ભંડોળ ફ્રેશ શેર મારફતે અને 9.52 કરોડ ઈક્વિટી શેરને ઓફર ફોર સેલ (OFS) માટે દરખાસ્ત રજૂ કરી હતી.
ઓલા ઈલેક્ટ્રિકની કંપની બેંગ્લુરુ ખાતે આવેલ છે.કંપની આ જાહેર ભરણા મારફતે એકત્રિત કરવામાં આવનાર ભંડોળનો ઉપયોગ મૂડીગત ખર્ચ, સહાયક OETની લોન પેમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કરશે તથા નવા સોર્સથી આવક મેળવવા માટે કરશે.
જો કંપનીના નાણાકીય પર્ફોમન્સની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2023 માટે કંપનીની આવક એક વર્ષ અગાઉની તુલનામાં સાત ગણી વધીને રૂપિયા 2,630.93 કરોડ થઈ છે.
એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ IPO (Emcure Pharmaceuticals IPO)
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં આપવામાં આવેલ માહિતી પ્રમાણે એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ (Emcure Pharmaceuticals)એ રૂપિયા 800 કરોડના IPO રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. આ IPOમાં ફ્રેશ શેર અને ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
OFSમાં પ્રમોટર સતીશ મહેતા અને રોકાણકાર BC ઈન્વેસ્ટમેન્ટ્સ IV લિમિટેડ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ અમેરિકા સ્થિત ખાનગી ઈક્વિટી પ્રમુખ બેન કેપિટલ (Bain Capital)ની સહયોગી કંપની છે.
વર્તમાન સમયમાં સતીશ મહેતા પાસે કંપનીની 41.92 ટકા હિસ્સેદારી અને BC ઈન્વેસ્ટમેન્ટ પાસે 13.09 ટકા હિસ્સેદારી છે. કંપની ફ્રેશ શેર મારફતે આવેલ ભંડોળનો લોનની પરત ચુકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો પૂરા કરવા માટે ઉપયોગ કરશે.
