SBI Job Alert:સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 12000 જગ્યા માટે ભરતી, 250 નવી બ્રાન્ચ ખોલશે

ભારતીય સ્ટેટ બેંક ચાલુ નાણાકીય વર્ષમાં 11,000 થી 12,000 કર્મચારીઓની ભરતી કરશે અને 200-250 નવી શાખાઓ ખોલશે. આ ઉપરાંત, બેંક અને તેની પેટાકંપનીઓ NSE માં લગભગ 1% હિસ્સો વેચવાની પણ યોજના ધરાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 06 Sep 2026 08:09 PM (IST)Updated: Sun, 06 Sep 2026 08:09 PM (IST)
sbi-job-alert-want-a-job-in-the-bank-sbi-to-recruit-for-1200-posts-250-new-branches-to-open
SBI-Har-Ghar-Lakhpati-Scheme-News-1786723724676.webp

SBI Recruitment 2026:ભારતીય સ્ટેટ બેંક (SBI) વર્તમાન નાણાકીય વર્ષમાં આશરે 11,000થી 12000 કર્મચારીની ભરતી કરવા અને પોતાની બ્રાંચ નેટવર્કનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. બેંકના ચેરમેન સી.એસ.શેટ્ટીએ આ અંગે માહિતી આપી છે. બેંક વર્તમાન નાણાકીય વર્ષમાં લિપિક અને અધિકારી લેવલ પર 11000થી 12000 કર્મચારીની નિમણૂંક કરશે. તે ઉપરાંત બેંકની 200થી 250 જેટલી નવી શાખા શરૂ કરવાની યોજના ધરાવે છે.

તેમમે જણાવ્યું કે નિવૃત્તિ અને ઉભરતી જરૂરિયાતોના આધાર પર આ સંખ્યા ઓછી અથવા વધારે હોઈ શકે છે. જોકે એવી આશા છે કે નાણાકીય વર્ષના અંત ભાગ સુધીમાં આશરે 12,000 લોકોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે બેંકે મોટાપાયે નિમણૂંક કરી હતી. જેમાં 1,500 IT અધિકારીનો સમાવેશ થાય છે. આ વર્ષે IT સેક્ટરમાં તેની મોટી સંખ્યામાં ભરતીની જરૂરિયાત નથી.

ગયા વર્ષે 25633 કર્મચારીઓની ભરતી

માર્ચ 2026 સુધીમાં SBIના કર્મચારીઓની સંખ્યા 2.45 લાખને વટાવી ગઈ છે. બેંકના વાર્ષિક અહેવાલ મુજબ SBIએ 2025-26 નાણાકીય વર્ષમાં કુલ 25,633 કર્મચારીની ભરતી કરી હતી. વિશાળ શાખા નેટવર્ક હોવા છતાં બેંક પાસે દેશના ઘણા ભાગોમાં વિસ્તરણ માટે હજુ પણ જગ્યા છે. નવી વસાહતો વિકસાવવામાં આવી રહી હોવાથી બેંક વ્યાવસાયિક રીતે સક્રિય જિલ્લાઓમાં તેની હાજરી વિસ્તારવા માંગે છે.

તેમણે કહ્યું કે બેંક કેટલીક શાખાઓને પણ તર્કસંગત બનાવી રહી છે અને આમ છતાં બ્રાંચ સંખ્યામાં દર વર્ષે લગભગ 200 થી 250નો વધારો થવાની ધારણા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં હિસ્સાના પ્રસ્તાવિત વેચાણ અંગે, શેટ્ટીએ કહ્યું કે SBI અને તેની પેટાકંપની SBI કેપિટલ માર્કેટ્સ મળીને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તેમના હિસ્સાનો લગભગ એક ટકા વેચવાની યોજના ધરાવે છે. તેમાં SBI 0.65 ટકા અને SBI કેપિટલ માર્કેટ્સ 0.35 ટકા વેચી શકે છે. જો કે જો અન્ય શેરધારકો પણ તેમનો હિસ્સો વેચે છે, તો SBI જૂથનું વેચાણ એક ટકાથી ઓછું થઈ શકે છે.