Dollar Vs Rupee:દેશમાં ભીષણ મોંઘવારીનું તોળાતુ સંકટ, છેલ્લા 14 વર્ષમાં સૌથી મોટા ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે રૂપિયો

ક્રુડ ઓઈલની કિંમત દરેક 1 ડોલર વધવાથી ભારતની ક્રુડ ઓઈલની આયાત બિલમાં આશરે 1.5-2 અબજ ડોલરનો વધારો થાય છે.આ ગણતરી પ્રમાણે કૂલ આયાત ખર્ચમાં 30-40 અબજ ડોલરનો જંગી બોજ પડી રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 27 Mar 2026 05:36 PM (IST)Updated: Fri, 27 Mar 2026 05:36 PM (IST)
rupee-record-low-past-94-50-against-usd-due-to-oil-price-rise-dollar-index-iran-war-and-trade-deficit

Dollar Vs Rupee: ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં ભારે ધોવાણ થઈ રહ્યું છે અને ઘરેલુ કરન્સી દરરોજ એક નવી નવી નીચી સપાટી બનાવી રહી છે. ઈરાન યુદ્ધને લીધે ક્રુડ ઓઈલમાં જે અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે તેને લીધે ભારતીય અર્થતંત્ર પર તેની ઘેરી અસર જોવા મળી રહી છે. 27 માર્ચના રોજ ડોલરની તુલનામાં રૂપિયો તૂટીને 95 ની વધુ નવી નીચી સપાટીની નજીક પહોંચી ગયો છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં ડોલરની સામે રૂપિયો 10 ટકા તૂટી ગયો છે. નાણાકીય વર્ષ 2012 બાદ રૂપિયામાં આ સૌથી મોટું ધોવાણ છે, નાણાકીય વર્ષ 2012માં રૂપિયો 10 ટકા ગગડ્યો હતો.

રૂપિયામાં આ નબળી સ્થિતિ ઈરાનમાં જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તેને પગલે કિંમતોમાં ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે. ક્રુડ ઓઈલ 100 ડોલર પ્રતી બેરલથી ઉપર કામકાજ કરી હ્યું છે. તેનાથી ભારતની વ્યાપાર ખાધ મોટા પ્રમાણમાં વધે તેવી આશંકા છે અને તેને લીધે રૂપિયા પર સતત દબાણ વધી રહ્યું છે.

શુક્રવારના સત્રમાં ડોલરની તુલનામાં રૂપિયા 94.83 સુધી ગગડી ગયો છે, જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી પર છે. જ્યારે ક્રુડ ઓઈલની કિંમત 110 ડોલર પ્રતી બેરલ નજીક પહોંચી ગઈ છે.

ભારત પર કેવી અસર થઈ રહી છે

દરમિયાન બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી 2-3 મહિના સુધી ભારતીય ક્રુડ ઓઈલની બાસ્કેટ 100-110 ડોલરની રેન્જમાં રહી શકે છે, જે અત્યાર સુધી નાણાકીય વર્ષ 2026માં સરેરાશ આશરે 70 ડોલર પ્રતી બેરલ રહી છે. તેમણે કહ્યું કે ક્રુડ ઓઈલની કિંમત દરેક 1 ડોલર વધવાથી ભારતની ક્રુડ ઓઈલની આયાત બિલમાં આશરે 1.5-2 અબજ ડોલરનો વધારો થાય છે.આ ગણતરી પ્રમાણે કૂલ આયાત ખર્ચમાં 30-40 અબજ ડોલરનો જંગી બોજ પડી શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો આ દરમિયાન નિકાસમાં સમાન વધારો નહીં થાય તો વ્યાપાર ખાધમાં મોટો વધારો થાય તે નક્કી છે.આમ વ્યાપાર ખાખ વધવાથી અને ગ્રોથ પર દબાણની સ્થિતિમાં રૂપિયો નબળો પડી શકે છે.