'અમે કોઈથી ડરતા નથી': એલોન મસ્કને મુકેશ અંબાણીની રિલાયન્સનો સણસણતો જવાબ; ઓપન કમ્પિટિશન માટે આપ્યો ખુલ્લો પડકાર!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને એલોન મસ્કને રોકડું સંભળાવ્યું છે કે કંપની ક્યારેય સ્પર્ધાથી ડરી નથી અને સેટેલાઇટ કમ્યુનિકેશન ક્ષેત્રે સ્ટારલિંક સહિત તમામ નવી કંપનીઓના આગમનનું સ્વાગત કરે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 16 Oct 2026 10:32 AM (IST)Updated: Fri, 16 Oct 2026 10:32 AM (IST)
reliance-responds-to-elon-musk-starlink-jio-satellite-internet-approval
રિલાયન્સ વિરુદ્ધ એલોન મસ્ક

Reliance vs Elon Musk: ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સ્પેસએક્સ અને સ્ટારલિંકના વડા એલોન મસ્ક દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને એલોન મસ્કને રોકડું સંભળાવ્યું છે કે કંપની ક્યારેય સ્પર્ધાથી ડરી નથી અને સેટેલાઇટ કમ્યુનિકેશન ક્ષેત્રે સ્ટારલિંક સહિત તમામ નવી કંપનીઓના આગમનનું સ્વાગત કરે છે.

દરેક કંપનીએ દેશના કાયદા અને નિયમોનું પાલન કરવું પડશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતમા રોકાણ અને નવી ટેકનોલોજી માટે બજાર હંમેશાં ખુલ્લું રહેવું જોઈએ, પરંતુ દેશમાં કારોબાર કરતી દરેક ભારતીય કે વિદેશી કંપની માટે કાયદાનું પાલન કરવું અને નિર્ધારિત સરકારી પ્રક્રિયાઓમાંથી પસાર થવું ફરજિયાત છે. રિલાયન્સના જણાવ્યા મુજબ, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે સેટેલાઇટ આધારિત સંચાર સેવાઓ માટે અરજી કરનાર તમામ કંપનીઓ માટે એકસમાન નિયમો અને પ્રક્રિયાઓ લાગુ પડે છે.

જીઓ સેટેલાઇટ સેવાઓ પણ મંજૂરીની પ્રતીક્ષામાં

એલોન મસ્કના આક્ષેપોનો જવાબ આપતાં રિલાયન્સે મહત્ત્વનો ખુલાસો કર્યો છે કે તેની પોતાની ટેલિકોમ સહયોગી કંપની 'જીઓ પ્લેટફોર્મ્સ' ની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પણ જરૂરી સરકારી અને સુરક્ષા મંજૂરીઓની રાહ જોઈ રહી છે. સરકારી પ્રક્રિયા પૂરી થયા બાદ જ સેવાઓ શરૂ કરી શકાશે.

53 કરોડથી વધુ ગ્રાહકોનો આપ્યો દાખલો

સ્પર્ધા અંગે પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા રિલાયન્સે જણાવ્યું હતું કે જ્યારે વર્ષ 2016 માં જીઓએ ભારતીય ટેલિકોમ માર્કેટમાં પ્રવેશ કર્યો ત્યારે તેની પાસે એક પણ ગ્રાહક નહોતો. પરંતુ 10 વર્ષના સમયગાળામાં આજે જીઓ પાસે 53 કરોડથી વધુ ગ્રાહકોનું વિશાળ નેટવર્ક છે. કંપનીએ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ડિજિટલ સેવાઓ અને વિશ્વનું સૌથી સસ્તું મોબાઇલ ડેટા આપવામા મહત્વનું યોગદાન આપ્યું છે. રિલાયન્સના મતે, સ્પર્ધાનો સાચો માપદંડ એ છે કે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ કોણ પૂરી પાડે છે.

એલોન મસ્કે શું આક્ષેપો કર્યા હતા?

અગાઉ એલોન મસ્કે ભારતીય ટેલિકોમ ક્ષેત્રે એકાધિકાર હોવાનો દાવો કર્યો હતો અને સ્ટારલિંકને મંજૂરી મળવામાં થઈ રહેલા વિલંબ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મુકેશ અંબાણી અને ભારતીય બજારમાં સ્પર્ધાને લઈને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરી હતી, જે અંગે મોટો વિવાદ ઊભો થયો હતો.

સરકારની સ્પષ્ટતા: સેટેલાઇટ ક્ષેત્રે એકાધિકારની કોઈ શક્યતા નથી

આ વિવાદ વચ્ચે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ મસ્કના આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સેટેલાઇટ કમ્યુનિકેશન ક્ષેત્રે કોઈ એક કંપનીના એકાધિકારનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હાલ 3 કંપનીઓ વ્યાવસાયિક સેવાઓ માટે અંતિમ મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છે. સ્ટારલિંક સહિત તમામ લાયસન્સ ધરાવતી કંપનીઓએ સેવાઓ શરૂ કરતા પહેલા સુરક્ષા સંબંધિત તમામ જરૂરી શરતો પૂરી કરવી પડશે.