Razorpay, Meta Business:ભારતમાં લાખો નાના વ્યવસાયો માટે વોટ્સએપ હવે માત્ર સંવાદનું માધ્યમ ન રહેતા વેચાણનું મહત્ત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. આ દિશામાં એક મોટું કદમ ભરતા ફિનટેક કંપની રેઝરપેએ ભારતમાં 'મેટા બિઝનેસ એજન્ટ' પર પેમેન્ટની સુવિધા લાઇવ કરી છે. આ ભાગીદારીથી ગ્રાહકો વોટ્સએપ ચેટ છોડ્યા વિના જ ઉત્પાદનોની પૂછપરછથી લઈને ખરીદી અને પેમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
આ પણ વાંચો
મેટા બિઝનેસ એજન્ટ વોટ્સએપ પર ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપે છે, ઉત્પાદનોની ભલામણ કરે છે અને વાતચીતને આગળ ધપાવે છે. જ્યારે ગ્રાહક ખરીદી માટે તૈયાર થાય છે ત્યારે આ AI એજન્ટ રેઝરપે દ્વારા સંચાલિત પેમેન્ટ લિંક જનરેટ કરે છે. ગ્રાહકો કોઈ અન્ય એપ પર ગયા વિના સીધા ચેટમાં જ UPI, કાર્ડ અથવા નેટબેન્કિંગ જેવી પોતાની પસંદગીની પદ્ધતિથી ચુકવણી કરી શકે છે.
નાના વ્યવસાયો અને ગ્રાહકોને થતા ફાયદા
મેટા અને કાંટારના એક અભ્યાસ મુજબ 75% પુખ્ત ગ્રાહકો વ્યવસાયો સાથે મિત્રોની જેમ ચેટ કરવા ઈચ્છે છે. વ્યવસાયના માલિક દુકાનના કામમાં વ્યસ્ત હોય કે કામકાજનો સમય પૂરો થઈ ગયો હોય, ત્યારે પણ આ એજન્ટ ત્વરિત જવાબ આપી વેચાણની તક ગુમાવતા અટકાવે છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે.
માલિકોનું સંપૂર્ણ નિયંત્રણ
માલિકોનું સંપૂર્ણ નિયંત્રણ: એજન્ટ ક્યારે સક્રિય રહેશે તે વ્યવસાયના માલિક નક્કી કરી શકે છે અને જરૂર પડ્યે તેઓ ગમે ત્યારે વાતચીતમાં જાતે જોડાઈ શકે છે. ગ્રાહકો પોતાની ભાષામાં ગિફ્ટ હેમ્પર કે તહેવારના પોશાક જેવી વસ્તુઓની માહિતી મેળવી એક જ ચેટમાં વિક્ષેપ વિના ખરીદી કરી શકશે.
આ અંગે રેઝરપેના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાહુલ કોઠારીએ જણાવ્યું હતું કે AI ગ્રાહકો દ્વારા ઉત્પાદનો શોધવાની રીત બદલી રહ્યું છે. મેટા બિઝનેસ એજન્ટ પર રેઝરપે પેમેન્ટ લિંક્સની સુવિધા સાથે અમે વ્યવસાયોને કોઈપણ વધારાની જટિલતા વિના ગ્રાહકો સાથેની વાતચીતને સફળ વેચાણમાં પરિવર્તિત કરવા સક્ષમ બનાવી રહ્યા છીએ.એજન્ટિક કોમર્સ ક્ષેત્રે રેઝરપે અને મેટાની આ ભાગીદારી ભારતીય નાના ઉદ્યોગોના ડિજિટલ વેચાણને નવી ગતિ આપશે.
