PM Kisan Yojana: ભારત સરકાર ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' ચલાવે છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6,000ની આર્થિક સહાય મળે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના બેન્ક ખાતામાં મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં રુ.,2 હજારની રકમ જમા કરાવાય છે. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં બે હપ્તા જાહેર કરવામાં આવ્યા છે અને ખેડૂતો હવે ત્રીજા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
ઘણા ખેડૂતોને મનમાં સવાલ થાય છે કે, શું એક જ પરિવારના પિતા અને પુત્ર, જેઓ બંને ખેતી સાથે સંકળાયેલા છે, તેઓ અલગ-અલગ ₹2,000નો હપ્તો મેળવી શકે છે? શું પિતા અને પુત્ર બંને PM કિસાન યોજનાનો લાભ લઈ શકે છે? ચાલો જાણીએ.
આ પણ વાંચો
શું ખેડૂત પિતા અને પુત્ર બંનેને રુ. 2,000 મળશે?
જો પિતા અને પુત્ર યોજનાના નિયમાનુસાર, એક જ ખેડૂત પરિવારમાં આવતા હોય તો, બંનેને અલગ-અલગ પીએમ કિસાન હપ્તો મળશે નહી. આ યોજના પરિવારને એક એકમ તરીકે ગણે છે.
ઉદાહરણ તરીકે, જો જમીનના રેકોર્ડના આધારે પિતા, માતા અને સગીર બાળકોને એક જ ખેડૂત પરિવાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હોય, તો તે પરિવારને પાત્રતાના આધારે વાર્ષિક કુલ ₹6,000 મળશે. આ રકમ ₹2,000ના ત્રણ હપ્તામાં ખાતામાં જમા થાય છે. જોકે, પુખ્ત વયના પુત્ર માટે નિયમ અલગ છે.
જો પિતા અને પુત્ર એક જ ઘરમાં રહેતા હોય અથવા એક જ રેશન કાર્ડ ધરાવતા હોય, તો માત્ર એક જ સભ્ય એટલે કે પિતાને લાભ મળશે.
પુખ્ત વયના પુત્ર અંગે શું નિયમ છે?
અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જરૂરી છે. PM કિસાન યોજના હેઠળ 'પરિવાર'ની વ્યાખ્યામાં સગીર બાળકોનો સમાવેશ થાય છે. તેથી, પુખ્ત વયના પુત્રની સ્થિતિ અલગ હોઈ શકે છે. જો પુત્ર અલગ ખેડૂત પરિવાર તરીકે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતો હોય અને તેના નામે ખેતીલાયક જમીનના માન્ય રેકોર્ડ્સ હોય, તો તેની પાત્રતા સ્વતંત્ર રીતે નક્કી કરી શકાય છે.
માત્ર પુત્ર ખેતી કરે છે તે હકીકતને કારણે જ તેને અલગ PM-કિસાન લાભ મળી શકે નહીં. જમીનની માલિકી અને અન્ય યોજનાકીય નિયમો જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો પુત્ર પાસે પોતાનું રેશન કાર્ડ હોય અને મહેસૂલી રેકોર્ડમાં તેના નામે ખેતીલાયક જમીન અલગથી નોંધાયેલી હોય, તો પિતા ઉપરાંત પુત્ર પણ પીએમ-કિસાન (PM-Kisan) યોજના હેઠળ લાભ મેળવી શકે છે.
